નવી દિલ્હી, તા.૧૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીના તીન મૂર્તિ ભવનમાં ‘પ્રધાનમંત્રી સંગ્રહાલય’નું ઉદ્ધાટન કર્યું.ત્યાર બાદ તેમણે નવા સંગ્રહાલયની સૌથી પહેલી ટિકિટ ખરીદી અને તેની ઝાંકી મેળવી.તેમણે ભારતને દુનિયામાં લોકતંત્રની જનની ગણાવતા દેશમાં એકાદ અપવાદ સિવાય લોકશાહીના વિકાસ માટે બધી જ સરકારોને શ્રેય આપ્યું.જોકે, આ સાથે તેમણે કોંગ્રેસ પર કટાક્ષ પણ કર્યો હતો.
પ્રધાનમંત્રી સંગ્રહાલયનું નિરીક્ષણ કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ સંગ્રહાલયમાં જેટલો અતિત છે,તેટલું જ ભવિષ્ય પણ છે.આ સંગ્રહાલય દેશના લોકોને ભૂતકાળના સમયનો પ્રવાસ કરાવતા નવી દિશા-નવા રૃપમાં ભારતના વિકાસ પ્રવાસે લઈ જશે.તેમણે ઉમેર્યું કે, ભારતવાસીઓ માટે ખૂબ જ ગૌરવની બાબત છે કે આપણા મોટાભાગના વડાપ્રધાન ખૂબ જ સાધારણ પરિવારોમાંથી આવ્યા છે.ગામડામાંથી આવીને,એકદમ ગરીબ પરિવારમાંથી આવીને,ખેડૂત પરિવારમાંથી આવીને પણ વડાપ્રધાનપદે પહોંચવું એ ભારતીય લોકતંત્રની મહાન પરંપરાઓ પ્રત્યે વિશ્વાસને દૃઢ કરે છે.ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીનો પરોક્ષ ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું કે, એક-બે અપવાદને છોડીએ તો ભારતમાં લોકતંત્રને મજબૂત કરવાની ગૌરવશાળી પરંપરા રહી છે.તેથી આપણી પણ એ જવાબદારી છે કે આપણા પ્રયાસોથી લોકતંત્રને મજબૂત કરતા રહીએ.ભારત દુનિયામાં લોકતંત્રની જનની છે અને તેની વિશેષતા એ છે કે સમય સાથે તેમાં સતત પરિવર્તન આવતું રહે છે.મોદીએ કહ્યું કે, આપણું લોકતંત્ર આપણને દરેક બાજુથી નવા વિચારોને આવકારવા અને સ્વીકારવાની પ્રેરણા આપે છે.આ સંગ્રહાલયમાં દેશના બધા જ વડાપ્રધાનના કાર્યો દર્શાવાય છે.પીએમ સંગ્રહાલય ભારતના સ્વતંત્રતા સંગ્રામથી લઈને બંધારણના નિર્માણ સુધીની વાર્તા જણાવશે.તેમાં જણાવાયું છે કે કેવી રીતે આપણા વડાપ્રધાનો દેશને વિવિધ પડકારોમાંથી બહાર લાવ્યા છે.સંગ્રહાલય ભવનની ડિઝાઈન ઊભરતા ભારતની વાર્તાથી પ્રેરિત છે.
સંગ્રહાલયમાં જવાહરલાલ નહેરુથી લઈને મનમોહન સિંહ સુધી બધા જ વડાપ્રધાનોના કાર્યોની માહિતીનો સમાવેશ કરાયો છે.અગાઉ આ મ્યુઝિયમ નહેરુ સંગ્રહાલય ભવન તરીકે ઓળખાતું હતું.પરંતુ ગયા મહિને પીએમ મોદીના અધ્યક્ષપદે કેબિનેટ બેઠકમાં મ્યુઝિયમનું નામ બદલીને પ્રધાનમંત્રી સંગ્રહાલય નામ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

