મુંબઇ : નાંદેડ આતંકવાદી કનેક્શન, હત્યા, ચોરી, તલવારો જપ્ત કરવા જેવા ગંભીર ગુનાને લીધે ચર્ચામાં છે ત્યારે કુરિયરમાં મગાવેલા પાર્સલ પર એડ્રેસમાં પાકિજાનગરને બદલે ભૂલમાં ‘પાકિસ્તાન નગર’ લખતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.પોલીસે પાર્સલ મંગાવનારા યુવકની પૂછપરછ કરતા ગેરસમજણ દૂર થઇ હતી.જોકે, આ અંગેનો વીડિયો વાઈરલ કરી કોમી શાંતિ ડહોળવાનો પ્રયાસ
નાંદેડના દેગલૂરનાકા ખાતે ૨૫ વર્ષીય શેખ ખલીલે તેના ભત્રીજા માટે ઓનલાઇન એપ દ્વારા કપડાં મંગાવ્યા હતા. તેને લખતા- વાંચતા આવડતું નહોતું. તેણે મોબાઇલ ફોનમાં વોઇસ રેકોર્ડ કરીને સંબંધિત કલકતાની કંપનીને પોતાનું એડ્રેસ મોકલ્યું હતું.કંપનીએ ખલીલના નામ નીચે એડ્રેસમાં પાકિજાનગરના બદલે પાકિસ્તાનનગરનો ઉલ્લેખ કર્યો હતો.
નાંદેડમાં કુરિયરમાં પાર્સલ આવ્યા બાદ તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.આ વિડીયો ઇતવારા પોલીસને મળ્યો હતો. પોલીસે તપાસ શરૃ કરી હતી.પોલીસે શેખ ખલીલને પૂછપરછ માટે બોલાવ્યો હતો.કોલકાતાની સંબંધિત કંપનીનો પણ નાંદેડ પોલીસે સંપર્ક કર્યો હતો.ત્યારબાદ એડ્રેસ બાબતે ગેરસમજણ દૂર થઇ હતી.પરંતુ સોશિયલ મીડિયામાં માત્ર આ વિડીયોને લીધે બે જૂથ વચ્ચે તિરાડ નિર્માણ કરવાનો પ્રયત્ન થઇ રહ્યો હોવાનું કહેવાય છે.આ પ્રકારની પોસ્ટ વાયરલ કરનારા સામે કડક કાર્યવાહી કરાશે એમ પોલીસે કહ્યું હતું.