– નાઈજીરિયાના રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીએ ટ્વીટ કરીને આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે
અબુજા, તા. 10 ઓક્ટોબર 2022, સોમવાર : નાઈજીરિયાના એનામ્બ્રા શહેરમાં નૌકા પલટી જવાથી 76 લોકોના મોત થઈ ગયા છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે નૌકામાં કુલ 85 લોકો સવાર હતા.આ દુર્ઘટના પુરના કારણે સર્જાઈ છે.નાઈજીરિયાના રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીએ ટ્વીટ કરીને આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે.તેમણે તમામ રેસ્ક્યુ અને રિલીફ એજન્સીઓને ઘટના સ્થળ પર પહોંચવાનો આદેશ આપ્યો છે.
સરકાર દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.નાઈજીરિયન ઈનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી અને નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના કર્મચારીઓને રેસ્ક્યુ અને રિકવરી મિશનમાં તૈનાત કરવામાં આવ્યા છે.રાષ્ટ્રપતિએ સુરક્ષા પ્રોટોકોલની તપાસ કરવાનો પણ આદેશ આપ્યો છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.
યાત્રીઓ માટે દરેક સંભવ મદદનો પ્રયત્ન
રાષ્ટ્રપતિ બુહારીએ જણાવ્યું કે, તે આ નૌકા દુર્ઘટનાથી ખૂબ જ દુ:ખી છે.તેમણે યાત્રીઓ માટે દરેક સંભવ મદદ માટે પ્રયત્ન કરવાનો નિર્દેશ આપ્યો છે.રાષ્ટ્રપતિએ કહ્યું કે, હું મૃતકોની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરું છું.અને તેની સાથે જ હું આ દુ:ખદ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.ઉત્તર-પશ્ચિમ નાઈજીરીયામાં થોડા દિવસો પહેલા એક ત્રણ માળની ઈમારત ધરાશાયી થતા અનેક લોકો ફસાઈ ગયા હતા.નાઈજીરીયાની ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના પ્રમુખ નુરા અબ્દુલ્લાહીએ જણાવ્યું હતું કે, ઉત્તર નાઈજીરીયાના વ્યાપારી હબ કાનો રાજ્યમાં એક બિઝનેસ સેન્ટર તરીકે ઈમારતનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર ઘણી દુકાનો ખુલી ચૂકી હતી.ઈમારત ધરાશાયી થવાને કારણે અનેક લોકો તેના કાટમાળ નીચે દટાઈ ગયા હતા.