નાગપુર : મહારાષ્ટ્રના નાગપુરમાં ગેરકાયદે રહેતા એક અફઘાની નાગરિકને આ વર્ષે તેના દેશમાં પરત મોકલાયો હતો.હવે આ યુવક તાલિબાની સંગઠનમાં જોડાઈ ગયો છે.હાથમાં હથિયાર સાથે આ યુવકની તસવીર સામે આવી છે, જે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે. આ માહિતી નાગપુરના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આપી છે.
અહીંયા નોંધવું રહ્યું કે તાલિબાને રવિવારે 15મી ઓગષ્ટના રોજ કાબુલ પર કબજો જમાવી દીધો, એ સાથે અફઘાનિસ્તાનને પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે. રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે,જ્યારે અફઘાન સૈન્યે હથિયાર મૂકીને શરણાગતિ સ્વીકારી લીધી છે.નાગપુરના પોલીસ અધિકારીએ કહ્યું કે નૂર મોહમ્મદ અઝીઝ મોહમ્મદ(30) ગેરકાયદે છેલ્લા 10 વર્ષથી નાગપુરમાં રહેતો હતો. તેમણે નાગપુરના દિધોરી વિસ્તારમાં ભાડાથી મકાન ખરીદ્યું હતું.ગુપ્ત માહિતી મળ્યા બાદ પોલીસ તેના પર દેખરેખ રાખી રહી હતી. 23મી જૂને આ અફઘાની યુવકની ધરપકડ કરવામાં આવી, ત્યારે બાદ તેને અફઘાનિસ્તાન પરત મોકલી દેવામાં આવ્યો હતો.પોલીસના કહેવા પ્રમાણે આ યુવક પોતાના દેશમાં પહોંચ્યા બાદ તાલિબાનમાં જોડાઈ ગયો હતો.