સમગ્ર વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે. કોરોના સંકટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી. આ દરમ્યાન પીએમ મોદીએ કોરોનાને રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોની તરફથી કરવામાં આવેલા ઉપાયો પર પણ ચર્ચા કરી અને સૂચનો આપ્યા. તેમણે રાજ્ય સરકારોને આશ્વાસન આપ્યું કે તેમની સાથે કેન્દ્ર ઉભું છે અને દરેક શકય મદદ કરાશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિનીકુમારનું નિવેદન સામે આવ્યું છે જેમા તેમણે જણાવ્યું હતું કે, PM મોદીએ CM રૂપાણી સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી છે. અને કહ્યું છે કે, દરેક જિલ્લામાં 100 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ છે. દોઢ દિવસમાં 15.16 લાખથી વધુ લોકોને રાશન વિતરણ પણ કરવામાં આવ્યું છે.
આ દરમિયાન અશ્વિનીકુમરા જણાવ્યું હતું કે, બિનસભાસદ પશુપાલકો મંડળીમાં દૂધ ભરાવી શકશે તથા ખાનગી ડેરીના દૂધ ઉત્પાદકોનો પ્રશ્ન હતો તેને ઉકેલવામાં આવ્યો છે. નાના-મોટા ઉદ્યોગકારો કર્મચારીને છૂટા નહીં કરી શકે અને 14 એપ્રિલ સુધી કર્મચારીને ટર્મિનેટ નહીં કરી શકાય તેવો દાવો અશ્વિનીકુમારે કર્યો હતો. આ સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે, 43,721 ફેક્ટરીઓમાં 18.34 લાખ શ્રમિકો કામ કરે છે તેમને છૂટા કરી શકાશે નહી. વિધવા, દિવ્યાંગ, વૃદ્ધોના ખાતામાં 221 કરોડ જમા કરાવાયા છે. અને હવે 4 એપ્રિલથી અન્ન બ્રહ્મ યોજના હેઠળ શ્રમિકોને રાશન વિતરણ કરવામાં આવશે. આ સાથે જ તેમણે દાવો કર્યો હતો કે, રાજ્યમાં દૂધ, શાકભાજી, દવાની અછત નથી.
ઉલ્લેખનિય છે કે અત્યાર સુધીમાં ગુજરાત કોરોના પોઝિટિવના કુલ 87 કેસ સામે આવ્યા છે. જેમાંથી 7 દર્દી સાજા થયા છે. જ્યારે 7 દર્દીઓના મૃત્યુ થયા છે.