– એક બાળકીને ઈજા થતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ
– અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
સુરતમાં આજે વહેલી સવારે વેસુ વિસ્તારમાં સ્કૂલવાન
અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અલથાણ કેનાલ રોડ પર પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે દસ ભૂલકાઓને લઈને જતી સ્કૂલવાનને ટક્કર મારતા વાન ફંગોળાઈને પલટી મારી ગઈ હતી.આ અકસ્માતમાં એક બાળકીને ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આજે સવારના સમયે શારદા યતન સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ સ્કૂલવાન ચાલક અલથાણ કેનાલ રોડ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા.તે દરમિયાન અચાનક સોહમ સર્કલ તરફથી બ્રેડ લાઈનર સર્કલ તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલા કિયા કાના ચાલકે સ્કૂલ વાનને ટક્કર મારી હતી. સર્કલ પર સ્કૂલવાન ટર્ન લઈ રહી હતી.તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.કારના ચાલકે ટક્કર મારતા જ 10 બાળકો ભરેલી સ્કૂલવાન પલટી મારી ગઈ હતી.અકસ્માતને પગલે વાનમાં સવાર બાળકોને નાની-મોટી ઈજા થઈ હતી.જ્યારે એક વિદ્યાર્થીનીને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સુરતના વેસુ વિસ્તારમાં અવારનવાર પુરપાટ ઝડપે કાર અને બાઇક હંકારનારા લોકોને કારણે નિર્દોષ લોકો ભોગ બનતા આવ્યા છે.આ પ્રકારે કેટલીકવાર અકસ્માતમાં લોકોના જીવ ગુમાવવાના વારા આવ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.અગાઉ પણ હિટ એન્ડ રનની ઘટનામાં એક લારી ચાલક હવામાં ફંગોળાયો હતો.ત્યારે સ્થાનિકો અહીં બમ્પર મુકાય તેવી માંગણી કરી રહ્યા છે.તો બીજી તરફ પૂરપાટ ઝડપે કાર અને બાઇક હંકારનાર લોકો પર પોલીસ લગામ કસે એ પણ જરૂરી બન્યું છે.