સુરત : તા.23 જુન 2022,ગુરુવાર : સુરતના સિંગણપોર પોલીસ મથકના નાની વેડ ગામ ગુરુકુલ રોડ પર અઠવાડીયા અગાઉ રાત્રીના સમયે માત્ર 15 મિનિટમાં યુવાન અને મહિલાની રૂ.91 હજારની મત્તાની બે ચેઈન તોડી પલ્સર બાઈક પર આવેલા બે સ્નેચર્સ ફરાર થઈ ગયા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ આંબાતલાવડી રોડ લલીતા ચોકડી સંતોષીનગર ઘર નં.એ/38 માં રહેતા અને ડભોલી શિવાલીક બિલ્ડીંગમાં સોફ્ટવેર ડેવલોપમેન્ટનું કામ કરતા 32 વર્ષીય જીગ્નેશભાઇ ઘનશ્યામભાઇ સાપરા ગત 16 મી ની રાત્રે 10 વાગ્યે માસા કિશોરભાઈ મનજીભાઈ મેર અને માસાના પુત્ર પાર્થ સાથે પોતાની ઈ-મોપેડ પર ઘરેથી ગુરુકુલ જતા હતા ત્યારે નાની વેડ અંબાજી ચોક પાસે તેમના મોપેડની પાછળથી પલ્સર બાઈક પર આવેલા બે અજાણ્યાએ બૂમ પાડતા જીગ્નેશભાઈએ તેમની તરફ જોયું તે સાથે જ પાછળ બેસેલા યુવાને તેમના ગળામાંથી રૂ.55 હજારની મત્તાની તેમણે દુબઈથી ખરીદેલી 12.70 ગ્રામની સોનાની ચેઈન તોડી ગુરુકુલ તરફ ભાગ્યા હતા.
જીગ્નેશભાઈએ તેમનો પીછો કર્યો હતો પણ પહોંચી શક્યા નહોતા.દરમિયાન,રસ્તામાં એક એક્ટીવા સવાર યોગેશભાઇ રાજમલભાઇ ચાવલા (રહે.10,અલ્પાહાર,કંતારેશ્વર મંદિરની બાજુમાં,કતારગામ,સુરત) એ તેમને પલ્સર બાઈક અંગે પૂછતાં જાણવા મળ્યું હતું કે જીગ્નેશભાઈની ચેઇન જેમણે આંચકી હતી તે જ પલ્સર સવાર બે અજાણ્યાએ કતારગામ રામકથા રોડ પર તેમની પત્ની અનિતાબેનના ગળામાંથી પણ રૂ.35,580 ની મત્તાની 10.940 ગ્રામની સોનાની ચેઈન તોડી હતી.કુલ રૂ.90,580 ની મત્તાની સોનાની બે ચેઇન તોડનાર પલ્સર સવાર બે અજાણ્યા વિરુદ્ધ જીગ્નેશભાઈએ ગતરોજ સિંગણપોર-ડભોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

