– રાજકોટમાં *ચોર પે મોર* જેવો ઘાટરૂપિયા સટ્ટામાં હારી જતા પૈસા પરત કરાવવા પોલીસનો પ્રયાસ
રાજકોટ : રાજકોટના નામચીન બુકીની આંગડીયા પેઢીમાં કામ કરતા કર્મચારીએ છેલ્લા અઢી માસમાં કટકે કટકે રૂપિયા સેરવી ક્રિકેટ સટ્ટામાં રૂપિયા ૨.૬૦ કરોડ હારી ગયાની લેખીતમાં થયેલી ફ્રિયાદના આધારે મહત્વની બ્રાન્ચે અન્ય નામચીન બુકીઓને બોલાવી પૈસા પરત કરાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી.
જાણવા મળતી વિગતો મુજબ નામચીન બુકીની આંગડીયા પેઢીમાં કામ કરતો અને છૂટક રીક્ષા ડ્રાયવીંગ કરતો ભાવેશ નામનો કર્મચારી આંગડીયા પેઢીમાંથી કટકે કટકે ૨.૬૦ કરોડ રૂપિયા સેરવી ગયાની લેખીતમાં ફ્રિયાદ મળતા મહત્વની બ્રાન્ચે ભાવેશ નામના રીક્ષાચાલકને રાત્રે જ ઉઠાવી લઇ પૂછપરછ કરતા તેણે આ રૂપિયા છેલ્લા અઢી માસમાં કટકે કટકે આંગડીયા પેઢીમાંથી ચોરી કરી રાજકોટના કેટલાક બુકીઓ પાસે ક્રિકેટ સટ્ટામાં હારી ગયાનું રટણ કરતા પોલીસે કેટલાક નામચીન બુકીઓને બોલાવી પૂછપરછ કરી પૈસા પરત કરાવવાનો પ્રયાસ કર્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં ૨.૬૦ કરોડ સેરવી લેનાર કર્મચારી એક બુકી આલમમાં સારી એવી પ્રેસ્ટીજ ધરાવતા શખસની મધ્યસ્થીથી શહેરના પાંચ જેટલા બુકીઓ પાસે ૯૦ લાખ, ૫૦ લાખ, ૪૦ લાખ મળી કુલ ૨.૬૦ કરોડ રૂપિયા હારી ગયો હોવાનું જાણવા મળ્યું છે તેમજ માતબર રકમ હારી જનાર કર્મચારી અગાઉ જયારે પૈસા જીતી ગયો ત્યારે રોકડા બુકીઓ પાસેથી લઇ ગયો હોવાનું પણ જાણવા મળ્યું હતું.
સ્વાભાવિક વાત છે કે આઈપીએલ શરૂ થાય ત્યારે બુકીઓ માર્કેટમાં આવી જતા હોય છે ત્યારે જે બુકીઓ પાસે આંગડીયા પેઢીનો કર્મચારી પૈસા હારી ગયો છે તે માનીતા બુકીઓ પોલીસને સાચવતા હોય ત્યારે આંગડીયા પેઢીના નામચીન બુકી પાસે સારૂ લગાડવા માટે હવે આ જ બુકીઓ પાસેથી પૈસા પડાવવા દબાણ કરાતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે જો કે આ બુકીઓ પૈકી એક બુકીએ પૈસા પરત અપાવવા માટે સહમતી પણ દર્શાવી હોવાનું જાણવા મળ્યું છે