બારડોલી : તાપી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સોમવારે મોડી રાત્રે નારિયેળની આડમાં લઇ જવાતો 47.58 લાખના વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે એકની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે ટ્રક સહિત કુલ 57.72 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો જ્યારે એકને વોન્ટેડ જાહેર કરી તપાસ શરૂ કરી છે.
તાપી જિલ્લા એલ.સી.બી.ની ટીમને બાતમી મળી હતી નારિયેળની આડમાં વિદેશી દારૂ ભરેલ ટ્રક નવાપુર તરફથી ગુજરાત સરહદમાં પ્રવેશવાની છે.આ બાતમીના આધારે પોલીસે સોનગઢ નવા આર.ટી.ઓ. ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી.તે સમયે શંકાસ્પદ ટ્રક નંબર- જીજે-08-યુ-3109 આવતા એલસીબી પોલીસે તેને રોકી તલાસી લીધી હતી.જેમાં નારિયેળની આડમાં છુપાવેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો.ગણતરી દરમ્યાન ટ્રકમાં કુલ 9516 બોટલ દારૂ કિંમત રૂ. 47.58 લાખનો હોવાનું જણાવ્યું હતું.પોલીસે ટ્રકમાંથી 3900ની કિંમતના નારિયેળ,દસ લાખ રૂપિયાની ટ્રક, રૂ 5 હજારનો મોબાઈલ તથા રોકડા રૂ. 6 હજાર મળી કુલ રૂ. 57 લાખ 72 હજાર 900ના મુદ્દામાલ સાથે અરુણકુમાર શિવચરણ ગૌતમ રહે આયુબપુર, જી.સુલતાનપુર, ઉત્તરપ્રદેશની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ ભરાવી આપનાર વિનોદ યાદવ નામના શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.