અમદાવાદ : તા. 23 જુન 2022,ગુરૂવાર : નારોલ વિસ્તારમાં લક્ષ્મીનગર પાસે આવેલા ઉમંગ ફ્લેટમાંથી બે સગીરા ગૂમ થઈ જતા દોડધામ મચી હતી.નાસ્તો લેવા નીકળેલી બન્ને કિશોરીનું કોઈ અપહરણ કરી ગયાની શંકાને પગલે પોલીસે બુધવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
નારોલ ઉમંગ ફ્લેટમાં રહેતા તારાબહેન સુભાષચંદ્ર તેલીએ નોધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદી તેમની પુત્રીઓ સાથે સોમવારે ઘરે હતા.બપોરે બે વાગ્યાના સુમારે પડોશમાં રહેતા આશિષ ભોરગાઉકરની 17 વર્ષની પુત્રી પન્ના ઘરે આવી હતી.ફરિયાદીની 15 વર્ષની પુત્રી કોમલ અને પન્ના બહેનપણી હોવાથી સાથે રમતા અને ફરતા હતા.પન્ના નાસ્તો લઈને આવીએ તેમ કહી કોમલને લઈ ગઈ હતી.નાસ્તો લેવા ગયેલી કોમલ ઘરે ના આવતા ફરિયાદી તારાબહેને આશીષભાઈના ત્યાં તપાસ કરી હતી.આશિષભાઈએ પન્ના નાસ્તો લેવા ગયા બાદ પરત ના આવ્યાની વાત કરી અને તેના ફોન પર કોલ કરતા મોબાઈલ બંધ આવતો હતો.બન્ને સગીરાની પરિવારે આસપાસની સોસાયટી,વિસ્તાર,મિત્રસર્કલ અને સગાસબંધી બધે તપાસ કરી હતી.જોકે બન્ને સગીરાનો પતો ના લાગતા બનાવની જાણ પોલીસને કરી હતી.