– 100 કરોડથી વધુની બિનહિસાબીનો પણ પર્દાફાશ
મુંબઈ : નાશિકના કાંદાના વેપારીઓ પર ઈન્કમટેક્સે તાજેતરમાં દરોડા પાડયા હતા.આ દરોડામાં ૨૬ કરોડની રોકડ રકમ મળી આવી હતી. આ ઉપરાંત આ કાર્યવાહીમાં ૧૦૦ કરોડથી વધુની બિનહિસાબી રકમનો પણ પર્દાફાશ થયો હતો.છેલ્લા ચાર દિવસથી આવકવેરા વિભાગ તરફથી ચાલી રહેલી આ કાર્યવાહી શનિવારે પૂરી થઈ હતી.એવું જાણવા મળ્યું હતું કે મળી આવેલી રોકડ રકમને ગણવા આઈટીની ટીમને ૧૯ કલાક લાગ્યા હતા.
આ સંદર્ભે વિગતાનુસાર આવકવેરા વિભાગના કર્મચારીઓની વિવિધ ટીમ ચાર દિવસ પહેલા નાશિકના પિંપળગાવ બસવંત અને આસપાસના વિવિધ વેપારીઓ પર ત્રાટકી હતી.આવકવેરાના ૧૫૦થી ૨૦૦ કર્મચારીઓની ટીમે કાંદાના વેપારીઓની ઓફિસ,ગોદામ,નિવાસસ્થાન પર દરોડા પાડયા હતા.આ સમગ્ર કાર્યવાહી સતત ચાર દિવસ સુધી ચાલી હતી.આ કાર્યવાહીના અંતે આવકવેરા વિભાગે વેપારીઓ પાસેથી ૨૬ કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી.આ ઉપરાંત ૧૦૦ કરોડથી વધુની બિનહિસાબી રકમનો પણ પર્દાફાશ થયો હતો.અધિકારીઓએ કાંદાના વેપારીઓના બેન્ક એકાઉન્ટની વિગત મેળવી અનેક મહત્ત્વની માહિતી પ્રાપ્ત કરી હતી.આવકવેરા વિભાગના ૮૦ કર્મચારીઓને જપ્ત કરેલી રોકડ ગણવા ૧૯ કલાક લાગ્યા હોવાની માહિતી પણ સામે આવી છે.આવકવેરાની ટીમ નાશિક અને પિંપળગાવની અમુક બેન્કમાં આ રકમ ગણવાનું શરૂ કર્યું હતું.શુક્રવારે સવારે ૧૧ વાગ્યે રોકડ ગણવાની શરૂઆત થઈ હતી જે શનિવારે સવારે ૭ વાગ્યે પૂર્ણ થઈ હતી.આવકવેરા વિભાગે જપ્ત કરેલ નોટમાં ૫૦૦, ૧૦૦ અને ૨૦૦ રૂપિયાની ચલણી નોટોનું પ્રમાણ સૌથી વધુ હોવાનું પણ જાણવા મળ્યું છે.

