મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાનું વિવાદિત નિવેદન આપ્યા પછી કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની મુશ્કેલીઓ ઓછી જ નથી થતી.મંગળવારે નાસિક પોલીસે તેમની ધરપકડ કરી હતી જોકે મોડી રાતે તેમને જામીન આપીને છોડી દેવામાં આવ્યા છે. હવે નાસિક પોલીસે તેમના ત્યાં નોંધાયેલી એક ફરિયાદમાં રાણેને નોટિસ આપીને 2 સપ્ટેમ્બરે ત્યાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
રાણે વિરુદ્ધ પહેલી ફરિયાદ નાસિકમાં જ નોંધાઈ હતી અને અહીંથી તેમના વિરુદ્ધ વોરન્ટ જાહેર થયો હતો.આ દરમિયાન રાણેની જન આશિર્વાદ યાત્રા બે દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.રાણે તરફથી તેમના વિરુદ્ધ નોંધવામાં આવેલા 4 કેસ રદ કરવા માટે આજે મુંબઈ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે.
રાણેની ધરપકડ પછી નાસિકમાં શિવસેનાના કાર્યકર્તાઓએ BJP ઓફિસ પર પથ્થરમારો કર્યો હતો.ત્યારપછી ભાજપના કાર્યકર્તાઓએ વળતો હુમલો કર્યો હતો.આ હુમલામાં અમુક શિવસૈનિકો ઘાયલ થયા હતા.હવે પોલીસે આકેસમાં 100થી વધારે લોકો સામે ભદ્રકાળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે.
રાણેને કોર્ટે આપ્યા શરતી જામીન
મહાડ કોર્ટે જામીન આપતા રાણેને 15 હજાર બોન્ડના ભરવા કહ્યું હતું.નાસિક પોલીસ રાણેના ઓડિયોને તેમણે મુખ્યમંત્રી વિશે આપેલા નિવેદન સાથે મેચ કરવા માંગે છે.તેથી રાણેને 2 સપ્ટેમ્બરે નાસિક બોલાવવામાં આવ્યા છે.રાણેને 30 ઓગસ્ટ અને 13 સપ્ટેમ્બરે રાયગઢ ગુનાહિત શાખા સામે પણ હાજર થવાનું છે.જામીન આપતી વખતે કોર્ટે રાણેને સખત શબ્દોમાં સૂચના આપી છે કે, તેઓ દસ્તાવેજો અને પુરાવા સાથે ચેડા નહીં કરી શકે.
આજે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવી શકે છે રાણે
નારાયણ રાણે તરફથી તેમના વિરુદ્ધ નાસિક,પુણે,રાયગઢ અને જલગામમાં નોંધાયેલા કેસને રદ કરવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવશે.થોડા સમય પહેલાં જ નારાયણ રાણેના ઘરેથી વકિલોની એક ટીમ બહાર નીકળી છે.આ વિશે જરૂરી દસ્તાવેજી કાર્યવાહી અને અન્ય ઔપચારિકતાઓ પૂરી કરવા વકિલ અનિકેત નિકમની એક ટીમ અહીં આવી હતી.