જીવલેણ કોરોના વાયરસે આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ચીનથી ફેલાયેલ આ વાયરસની ચપેટમાં અત્યાર સુધી દુનિયાભરના લાખો લોકો આવી ચૂક્યા છે. જ્યારે હજારો લોકોના મોત થયા છે. ત્યારે ભારતમાં પણ આ ખતરનાક વાયરસે પગપેસારો કર્યો છે. માહિતી મુજબ દેશમાં શનિવારે એક જ દિવસમાં સૌથી વધુ 71 કેસ પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. તેની સાથે જ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 328 થઈ ગઈ છે.
વૈશ્વિક મહામારી કોરોના વાયરસની ગંભીરતાને જોતા પીએમ નરેન્દ્ર મોદીએ આજે એટલે કે રવિવાર, 22 માર્ચના રોજ ‘જનતા કરફ્યૂ’ની જાહેરાત કરી હતી. દેશભરમાં અત્યાર સુધી ‘જનતા કરફ્યૂ’નો સારો પ્રતિસાદ જોવા મળ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ લોકો દ્વારા ‘જનતા કરફ્યૂ’નું પાલન કરવામાં આવી રહ્યું છે. લોકો નોકરી-ધંધા બંધ રાખીને પોતાના ઘરે બેઠા છે અને કોરોનાને હરાવવાની ઝુંબેશમાં સામેલ થયા છે.પરંતુ રાજ્યમાં એક તરફ જ્યાં મોટા ભાગે લોકો ‘જનતા કરફ્યૂ’ને સમર્થન આપી રહ્યા છે. ત્યાં જ કેટલાક એવા લોકો પણ છે જે પોતાના જીવને જોખમમાં મૂકી કોરોનાના જાહેરનામા ‘જનતા કરફ્યૂ’નું ઉલ્લંઘન કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ અમદાવાદના કેટલાક વિસ્તારમાં પાનના ગલ્લા ચાલુ જોવા મળ્યા છે. પ્રોવિઝન સ્ટોર સાથે ગલ્લા પર પાન મસાલા વેચાય રહ્યા છે. આ સાથે જાહેરનામા ભંગનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. કેટલાક લોકો કોરોના કહેર વચ્ચે પણ Amcના સખ્ત નિયમોના લીરેલીરા ઉડાડી રહ્યા છે.
આ સિવાય સુરતમાં પણ કોરોનાના જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ વેડ રોડ પર ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરનાર સામે ફરિયાદ નોંધાઈ છે. 70થી 80 લોકો ભેગા થતા જાહેરનામાનું ભંગ કરાયું છે. ત્યારે ચોકબજાર પોલીસે ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.