– તમામ આરોપીને 12 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા
બારડોલી : બારડોલી તાલુકાના નાંદીડા ગામે વેપારીની જાહેરમાં ગોળી મારી હત્યા કરવાના પ્રકરણમાં કડોદરા GIDC પોલીસે વોન્ટેડ આરોપી સાગર વાંસફોડીયાને અંત્રોલીના ભૂરી ફળિયાથી ઝડપી પાડ્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર કડોદરા પોલીસની ટીમ રવિવારના રોજ વોન્ટેડ આરોપીઓને પકડવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. આ દરમ્યાન કડોદરા GIDC પોલીસના ASI સંજય ગાંડાભાઈ તથા હે.કો.દિપક શંકરને ખાનગી રાહે બાતમી મળી હતી કે બારડોલીના નાંદીડા ગામે કાચના વેપારી નિખિલ પ્રજાપતિની હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપી સાગર વાંસફોડીયા અંત્રોલીના ભૂરી ફળીયા ખાતે છે.પોલીસે બાતમીના આધારે તેને દબોચી લીધો હતો.કડોદરા પોલીસે આરોપીની અટક કરી કબ્જો બારડોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બારડોલી તાલુકાના નાંદીડા ગામે ગત 5મી ઓગસ્ટના રોજ કાચના વેપારી નિખિલ પ્રજાપતિની બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ ગોળી મારી હત્યા કરી નાખી હતી.આ હત્યાના પ્રકરણમાં સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી નિખિલના મિત્ર કેતન,વિશાલ,બાદલ રાઠોડ અને હિતેશ સુરેલાની ધરપકડ કરી હતી.મિત્ર કેતન ગોંડલીયાએ નિખિલની બે લાખમાં સોપારી આપી હત્યા કરાવી હતી.કેતનની પત્નીએ ચંદને છૂટાછેડા બાદ નિખિલ સાથે લગ્ન કરી લેતા તેની અદાવતમાં હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
તમામ આરોપીને 12 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા
નિખિલ હત્યા પ્રકરણમાં પકડાયેલા ચાર આરોપીઓ કેતન ગોંડલીયા,વિશાલ રાઠોડ,બાદલ રાઠોડ અને હિતેશ સુરેલાને આજે બારડોલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.જ્યાં કોર્ટ દ્વારા તમામ આરોપીને 12 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.