નિઝામુદ્દીનમાં તબલીગી જમાતનો મરકઝ દેશમાં કોરોનાનું સૌથી મોટું હોટસ્પોટ બની રહ્યું છે. દિલ્હીમાં બુધવારના રોજ સામે આવેલા 32 નવા દર્દીમાં 29 આ મરકઝના છે. દેશભરમાંખથી પહોંચેલા આ લોકોમાં અત્યાર સુધી 300થી વધુ મહામારીના દર્દી મળ્યા છે. તેમાંથી 110 તો બુધવારના રોજ તામિલનાડુમાં સામે આવ્યા હતા ત્યારે આ ખતરો હવે ગુજરાત પર પણ મંડરાઇ રહ્યો છે. કારણ કે, ગુજરાતના કુલ 84 લોકો આ તબલિગી જમાતના મરકજના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ 84 લકોની ઓળખ પણ કરી લેવામાં આવી છે.
ગુજરાતના DGP શિવાનંદ ઝા દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમા તેમણે જણાવ્યું હતું કે, તમામ લોકો લોકડાઉનનું પાલન કરે તે જરૂરી છે. અને રાજ્યમાં એમ્બ્યુલન્સનો દુરપયોગ કરનારની ધરપકડ કરાઈ છે જેને આકરી સજા ફટકારવામાં આવશે. રાજ્યમાં લોકડાઉનનો ભંગ કરનારને 2 વર્ષની સજા થઇ શકે છે. આ સાથે જ DGPએ એવું પણ કહ્યું હતું કે, શહેરી વિસ્તારમાં લોકડાઉનનું ઉલ્લંઘન વધુ થઈ રહ્યું છે માટે સોસાયટીમાં ભેગા થશો તો ડ્રોનથી ઝડપાશો તો આકરી કાર્યવાહી કરવામાં આવશે. આ માટે વધુમાં વધુ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે અને મામલે નિવૃત પોલીસની પણ મદદ લેવામાં આવશે.
વધુમાં DGP શિવાનંદ ઝાએ કહ્યું હતું કે, નિઝામુદ્દીનમાં ગયેલા લોકોની ઓળખ થઈ ગઇ છે. અમદાવાદમાંથી 4, સુરતના 8 લોકો ગયા હતા. દિલ્હીના નિઝામુદ્દીન તબ્લિકી જમાતમાં નવસારી જિલ્લાના 16 લોકો ગયા હતા. ગુજરાતમાંથી કુલ 84 લોકો નિઝામુદ્દીન ગયા હતા. આ તમામ લોકોની સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસ અને આરોગ્યની ટીમ દ્વારા તમામને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામના મેડિકલ રિપોર્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.