મુંબઈ : બોલિવુડના ડ્રેસ ડિઝાઇનર અને તે કરતાં પણ વધારે તો મેકઓવર એક્સપર્ટ તરીકે જાણાતા મનિષ મલ્હોત્રાએ તેને પ્રોડયૂસર્સ તરફથી હિરોઇનોના કપડાં એકદમ ટૂંકા ટૂંકા બનાવવા માટે જ કેવી રીતે સૂચનાઓ મળતી હતી તેનો ખુલાસો તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં કર્યો છે.મનિષ મલ્હોત્રાએ અભિનેત્રી અને પ્રખ્યાત લેખિકા ટ્વિંકલ ખન્નાને આપેલા ઇન્ટરવ્યૂમાં બોલિવુડમાં ડ્રેસ ડિઝાઇનિંગના પોતાના અનુભવો વિશે વિગતે વાત કરી છે.તેમાં તેણે કેટલાક રસપ્રદ કિસ્સા વર્ણવ્યા છે.
મનિષના જણાવ્યા અનુસાર તેણે રંગીલામાં ઉર્મિલા માર્તોડકર માટે જે પ્રકારના વસ્ત્રો ડિઝાઇન કર્યાં હતાં તે પછી બધા પ્રોડયૂસર્સ એ જ પ્રકારના ટૂંકા અને સેક્સી વસ્ત્રો ડિઝાઇન કરવાની સૂચના આપતા રહેતા હતા. પ્રોડયૂસર કહેતા હતા કે અમારે તમારી સાથે ડ્રેસ ડિઝાઇનની કોઈ ચર્ચા કરવી નથી. તમે ઊર્મિલાનાં જેવાં વસ્ત્રો ડિઝાઈન કર્યાં છે તેવાં વસ્ત્રો બનાવી આપો.એક કિસ્સો વાગોળતાં મનિષે કહ્યું હતું કે એકવાર એક ફિલ્મ માટે તેઓ સ્વ. કોરિયોગ્રાફર સરોજ ખાન સાથે કોશ્ચ્યુમ બાબતે કોઈ ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે પ્રોડયૂસર રમેશ તૌરાણી ત્યાં હાજર હતા.રમેશે તૌરાણીએ એમ કહીને ટોક્યા હતા કે તમે આટલી લાંબી લાંબી ચર્ચાઓ કરવાની રહેવા દો. હિરોઇનો માટે તમે એવાં જ કપડાં બનાવો જેવાં હમેશા બનાવો છો, એકદમ ટૂંકા ટૂંકાં કપડાં બનાવો.ટ્વિંકલે આ વાતચીત દરમિયાન યાદ કરાવ્યું હતું કે બાદશાહ ફિલ્મના એક ગીત માટે મનિષે તેના માટે ડિઝાઇન કરેલાં એકદમ ફિટિંગવાળાં ટૂંકાં ટૂંકા કપડાં પહેરવા માટે માત્ર ચણા ખાઈને ચલાવવું પડયું હતું અને તેને પોતાને પોતે જાણે ગેસનો ગોળો હોય એવું લાગતું હતું.


