– પોતે CM ઓફિસમાં IAS અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને ફરિયાદીને ધમકી આપી
– પોતાની સ્કોર્પિયો વેચવાના બહાને કાર દલાલ પાસેથી 4.23 લાખ ખંખેરી લઈ ઠગાઈ આચરી
અમદાવાદ : નિવૃત્ત IPS અધિકારીના ઠગ પુત્રએ ગુજરાત હાઈકોર્ટના બનાવટી ઓર્ડર બનાવીને પાંચ લાખ રૂપિયા પડાવી લીધા હતાં.આ અંગેની એક અરજી સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.જો કે, ત્યાર બાદ IPS અધિકારીનો પુત્ર હોવાથી કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓ મેદાનમાં આવી ગયા હતાં.યેનકેન પ્રકારે ઠગ પુત્રને બચાવવાના પ્રયાસ કર્યા હતાં.જો કે ત્યાર બાદ ભોગ બનનારની સાથે સમાધાન થયું હોવાની વાતો વહેતી કરીને ઉચ્ચ પોલીસ અધિકારીઓના દબાણના કારણે પોલીસ ફરિયાદ થવા દીધી નહોતી.
4.23 લાખ રૂપિયા પડાવી લઈને ઠગાઈ આચરી
આ જગ્યાએ કોઈ સામાન્ય નાગરિક હોત તો આ જ પોલીસે તાત્કાલિક ફરિયાદ લઈ લીધી હોત.જેથી નિવૃત્ત IPSના પુત્ર માટે કોઈ કાયદો નથી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.ત્યાં બીજી તરફ ફરીથી આ નિવૃત્ત IPS અધિકારીના પુત્રએ સ્કોર્પિયો કાર વેચવાના બહાને એક વ્યક્તિ પાસેથી 4.23 લાખ રૂપિયા પડાવી લઈને ઠગાઈ આચરી છે.આ અંગે પણ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે.સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સોલા હાઈકોર્ટ પોલીસ ઉચ્ચ અધિકારીઓના દબાણના કારણે ફરિયાદ નહીં લેતી હોવાનું જાણવા મળ્યું છે.
જજના સહી સિક્કા વાળી કોપી મોકલી આપી
અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના મિત્ર વિરૂદ્ધ ડ્રગ્સનો કેસ ડિસા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.જેથી તેને જામીન મળે તે માટે દોડધામ કરતાં હતાં.તેવામાં જ તેમને નિવૃત્ત IPSના પુત્ર સાથે પરિચય થયો હતો.તેની બહુ મોટી વગ છે તેમ કહીને ભોગ બનનારને તેના ભાઈને તાત્કાલિક છોડાવી આપવાની લાલચ આપી હતી.જેથી ભોગ બનનારે પાંચ લાખ રુપિયા નિવૃત્ત IPSના પુત્રને આપ્યા હતાં.તેના બદલામાં તેણે ગુજરાત હાઈકોર્ટના ઓર્ડરની કોપી મોકલી હતી.જેમાં 2013નું વર્ષ સ્ટેનોના ભૂલથી લખાયેલું હોવાનું કહ્યું હતું.ત્યાર બાદ ફરીથી 17મી મેના રોજ જજના સહી સિક્કા વાળી કોપી મોકલી આપી હતી.
IPS અધિકારીઓના નામે દબાણ કરીને સમાધાન
ત્યાર બાદ આ ખોટો ઓર્ડર હોવાનુ વકીલે ભાંડો ફોડ્યો હતો.આ અંગેની અરજી સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.ફરિયાદીએ અનેક પ્રયાસ કર્યા પણ તેની FIR નોંધાઈ નહોતી.બીજી તરફ ફરિયાદીને કેટલાક પોલીસ અધિકારીઓ તેમજ અસામાજિક તત્વો દ્વારા અરજી પાછી લેવા માટે દબાણ કરાતુ હતું.સુરતના વિપુલ નામના શખ્સે ફરિયાદીને કારમાં લઈ જઈને કેટલાક IPS અધિકારીઓના નામે દબાણ કરીને સમાધાન કરી લીધું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.જો કે, આ અંગે સોલા પીઆઈ જે બી અગ્રાવતે અગાઉની અરજીમાં સમાધાન થયું હોવાનું જણાવ્યું હતું. પરંતુ બીજી છેતરપિંડીની અરજી આવી છે તેવું તેમણે જણાવ્યું હતું.તેની ફરિયાદ નોંધાય તે માટેની તજવીજ હાથ ધરી હોવાનું પણ જણાવ્યું હતું.
CM ઓફિસમાં IAS અધિકારી હોવાની ખોટી ઓળખ
વિજયભાઈ મિશ્રા અમદાવાદના સેટેલાઈટમાં શ્યામતિર્થ એપાર્ટમેન્ટ નજીક મોટો ટ્રેડ નામની કાર લે વેચની ઓફિસ ધરાવે છે.તેમને સ્કોર્પિયો વેચવાનું કહીને નિવૃત્ત IPSના પુત્ર અને તેના મળતિયા કિરણ બારોટે ચાર લાખ ત્રેવિસ હજાર રૂપિયા લઈ લીધા હતાં.ત્યાર બાદ સ્કોર્પિયો કાર નિવૃત્ત IPSના પુત્રએ આપી નહોતી.જેથી વિજય મિશ્રાએ કાર અથવા પૈસા પરત માંગ્યા હતાં.આ ઠગે પૈસા તો આપ્યા નહોતા પરંતુ પોતે CM ઓફિસમાં IAS અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને ફરિયાદીને ધમકી આપી હતી.સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે પાંચ લાખ રૂપિયા આપનાર અગાઉનો ભોગ બનનાર વ્યક્તિ નિવૃત્ત IPSના પુત્રથી કંટાળીને હાઈકોર્ટમાં PIL કરવાના હોવાનું જાણવા મળ્યું છે.