વ્યારા : તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં ગત 14મી મેના રોજ સગા બનેવીની સોપારી આપી હત્યા કરાવનાર વિજય પટેલ હજી પણ વોન્ટેડ હોય કોર્ટે તેમની સ્થાવર મિલકતો જપ્ત કરવાનો હુકમ કર્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર ગત 14મી મેના રોજ 2021ના રોજ વ્યારા ખાતે નિશિષ મનુભાઈ શાહની કેટલાક ઇસમોએ તલવારથી હુમલો કરી હત્યા કરી નાખી હતી.આ હત્યાના ગુનામાં પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.પૂછપરછમાં આ હત્યા મૃતક ના સાળો વ્યારાના કાનપુરા ખાતે શુકન બંગલોમાં રહેતો વિજયભાઈ મનસુખભાઈ પટેલે કરાવી હોવાનું ખૂલ્યું હતું.વિજય ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો.આથી પોલીસે આરોપી વિજય મનસુખ પટેલની વિરુદ્ધમાં સીઆરપીસી કલમ 7 મુજબ કાયમી ધરપકડનું વોરંટ વ્યારા કોર્ટમાંથી મેળવ્યું હતું.ત્યરબાદ આરોપી વિરુદ્ધ સીઆરપીસી કલમ 82 મુજબ કાર્યવાહી કરતાં કોર્ટે આરોપી વિરુદ્ધ ફરારી જાહેરનામું બહાર પાડી 30 દિવસમાં હાજર થવા જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું જો કે તેમ છતાં તે કોર્ટ સમક્ષ હાજર થયો ન હતો.દરમ્યાન વિજયે આગોતરા જામીન અરજી કરી હતી પરંતુ 21મી સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટે નામંજૂર કર્યા હતા.વિજય પટેલની વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 83 મુજબ જપ્તીની કાર્યવાહી કરવા વ્યારા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જે અરજીની સુનાવણી 30મી સપ્ટેમ્બરના રોજ રાખવામા આવી હતી.આરોપીની મિલકત જપ્તીની અરજીના કામે સોમવારના રોજ નામદાર કોર્ટે નાસતા ફરતા વિજય મનસુખ પટેલની ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 83 મુજબ સ્થાવર મિલકતો જપ્ત કરવાનો હુકમ કર્યો હતો.જે અંગે તાપી જિલ્લા કલેક્ટરને રિસીવર તરીકે નીમવામાં આવ્યા છે જેઓ સ્થાવર મિલકત સરકાર હસ્તક લેવાની કામગીરી હાથ ધરશે.


