મુંબઈ : રોકાણકારોના નબળા માનસ વચ્ચે પણ ક્રિપ્ટો કરન્સીઝમાં સોમવારે રિકવરી જોવા મળી હતી.ગયા સપ્તાહમાં જંગી કડાકા બાદ વર્તમાન સપ્તાહના પ્રારંભમાં ક્રિપ્ટો માર્કેટ સ્થિર થવા મથી રહ્યાના સંકેત મળી રહ્યા હતા.
મુખ્ય કરન્સી બિટકોઈને ફરી એક વખત ૨૦,૦૦૦ ડોલરની સપાટી પાર કરી હતી.એથરમે ૧૦૦૦ ડોલરની સપાટી પકડી રાખી હતી.મોડી સાંજે ભાવ ૧૧૦૦ ડોલર બોલાતા હતા.ડોજકોઈનમાં ૧૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.આ ઉપરાંત સોલાના વધ્યા હતા.ક્રિપ્ટોકરન્સીની વૈશ્વિક માર્કટ કેપ છેલ્લા ચોવીસ કલાકમાં સાત ટકા જેટલી વધી ૮૮૫ અબજ ડોલરની ઉપર પહોંચી હતી.પ્રતિકૂળ સ્થિતિ હજુ પૂરી થઈ નહીં હોવાનું માની ભારતના ક્રિપ્ટો ખેલાડીઓ તાણ હેઠળ રહ્યા છે.ગયા સપ્તાહમાં ભારતીય રોકાણકારોના કરોડો રૂપિયાની ખોટ ગયાના અહેવાલો હતા.ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ક્રિપ્ટોકરન્સી ડોજકોઈનની ખરીદી ચાલુ રાખી તેને ટેકો આપતા રહેશે તેવા કરેલા નિવેદનથી ડોજકોઈનના ભાવને ટેકો મળ્યો હતો.