અમદાવાદ,તા.12 સપ્ટેમ્બર : ગુજરાતના 22મા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે અને તેની સાથે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનુ મુખ્યમંત્રી બનવાનુ સ્વપ્ન ત્રીજી વખત રોળાઈ છે.
આ પહેલા મુખ્યમંત્રી તરીકેના દાવેદારોમાં જેમના નામ ચર્ચાતા હતા તેમાં નીતિન પટેલના નામનો પણ સમાવેશ થયો હતો.જોકે હાઈકમાન્ડે ફરી વખત એક આશ્ચર્યજનક ચહેરાની પસંદગી કરી છે.
અગાઉ પણ બે વખત તેઓ મુખ્યમંત્રી પદની રેસમાં સામેલ હતા.જોકે ભાજપે આ વખતે પણ તેમની જગ્યાએ બીજા નેતાની પસંદગી કરી હોવાથી હવે તેમની આગળની કેરિયર પણ સવાલો સર્જાયા છે.
2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા ત્યારે પણ નીતિન પટેલનુ નામ ચર્ચામાં રહ્યુ હતુ.જોકે તે સમયે આનંદીબેન પટેલ સીએમ બન્યા હતા.એ પછી આનંદીબેને પટેલે પાટીદાર આંદોલનના પગલે 2016માં રાજીનામુ આપ્યુ ત્યારે ફરી નીતિન પટેલનુ નામ મુખ્યમંત્રીપદના દાવેદારોમાં બોલાતુ થયુ હતુ.જોકે તે સમયે પણ અમિત શાહની પસંદગી મનાતા વિજય રૂપાણીને સીએમ બનાવાયા હતા અને તેના પગલે નીતિન પટેલ નારાજ થયા હતા.આખરે પાર્ટીએ તેમને ડેપ્યુટી સીએમનો હોદ્દો આપ્યો હતો.
જોકે હવે જ્યારે ફરી મુખ્યમંત્રી પદની ખુરશી ખાલી પડી હતી ત્યારે પણ તેમની જગ્યાએ ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રીપદની ખુરશી સોંપાઈ છે.


