નીતીશ કુમારે મૌલાના આઝાદની તુલના મહાત્મા ગાંધી સાથે કરી
એજન્સી, દરભંગા
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે એનઆરસી અને એનપીઆરને લઈને મોટું નિવેદન આપ્યું છે. નીતીશ કુમારે બિહારના દરભંગામાં એક રેલી સંબોધિત કરતા જણાવ્યું કે, બિહારમાં એનઆરસી લાગુ નહીં થાય. સાથે સાથે તેમણે જણાવ્યું કે, એનપીઆર કોઈપણ ફેરફાર વગર 2010ના નિયમો મુજબ જ લાગુ થશે. જો કે તેમણે નાગરિકતા સુધારણા કાયદા (સીએએ)ને લઈને મૌન ધારણ કર્યું હતું.
દરભંગાના મૌલાના આઝાદ યુનિવર્સિટી કેમ્પસમાં લોકોએ જ્યારે મુખ્યમંત્રીને સીએએ, એનઆરસી અને એનપીઆર અંગે વાત કરવા જણાવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, બિહારમાં એનઆરસી લાગુ નહીં થાય. એટલું જ નહીં તેમણે મૌલાના અબુલ કલામ આઝાદની તુલના મહાત્મા ગાંધી સાથે પણ કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, જેવી રીતે બાપૂને લોકો યાદ રાખે છે તેમણે મૌલાના આઝાદને પણ યાદ રાખવા પડશે કેમકે તેઓ પણ દેશના ભાગલાની વિરુદ્ધ હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં લઘુમતિ સમાજને આકર્ષિત કરવાના પ્રયાસ હેઠળ એનઆરસી લાગુ નહીં કરવાની જાહેરાત કરી છે. નીતીશ કુમાર લઘુમતિ સમાજ માટે અનેક યોજનાઓનો શિલાન્યાસ કરવા અહિંયા પહોંચ્યા હતા.