નવી દિલ્હી : મુસ્લિમ સંગઠન જમાત ઉલમા-એ-હિંદે એક ટીવી ડિબેટ દરમિયાન કથિતરીતે પયગમ્બર મહંમદ અંગે વિવાદિત ટિપ્પણી કરવાના મામલે ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપૂર શર્માને માફ કરી દેવાની વકીલાત કરી છે.તેના આ નિવેદનથી દેશભરમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનો શાંત પડે તેવી સંભાવના છે.ભાજપના પૂર્વ નેતાઓની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન અને હિંસાની ઘટનાઓ પર મુસ્લિમ સંગઠને જમાત ઉલેમા-એ-હિંદે પ્રતિક્રિયા આપી છે.જમાત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના સુહૈબ કાસમીએ કહ્યું હતું કે,પયગમ્બર પર કથિત રીતે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર બીજેપીના પૂર્વ નેતા નુપુર શર્માને ઈસ્લામ મુજબ માફી આપવી જોઈએ.તેમણે જણાવ્યું હતું કે મુસ્લિમ વિદ્વાનોનું સંગઠન તેમની ટિપ્પણીને ધ્યાનમાં રાખીને થયેલા દેશવ્યાપી વિરોધ સાથે અસંમત હતું.
જમાત ઉલેમા-એ-હિંદે શુક્રવારની નમાજ પછી શર્માની ટિપ્પણી પર થયેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન માટે પ્રતિક્રિયા આપવા રવિવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી.સુહૈબ કાસમીએ કહ્યું હતું કે દેશના મોટાભાગના મુસ્લિમ સંગઠનો માત્ર 20 કરોડ મુસ્લિમોની વાત કરે છે,135 કરોડ ભારતીયોની વાત નથી કરતા.10 જૂને આખા દેશમાં આ જ પ્રકારનું ધરણા પ્રદર્શન શરૂ થયા હતા.રમખાણો અમુક એજન્ડા હેઠળ કરવામાં આવ્યા હતા.મદની અને ઓવૈસી જેવા લોકો મગરના આંસુ વહાવી રહ્યા છે,બધા ગાયબ થઈ ગયા છે,બાળકોને હુલ્લડ કરવા માટે છોડી દીધા છે.
સુહૈબ કાસમીએ વધુમા કહ્યું હતું કે કોઈ મોટા સંગઠને આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું નથી,સામાન્ય મુસ્લિમોને મરવા માટે છોડી દેવાયા હતા.અમે કોઈપણ હિંસાના પક્ષમાં નથી.ઇસ્લામમાં લખ્યું છે કે હિંસા કેટલો મોટો ગુનો છે.તેમણે ઉમેર્યું હતું કે આ તો અન્યાય કરનારા આ લોકો છે,લૂંટારાઓ પણ આ જ છે.આરબ દેશોને જણાવે છે કે અહીં અન્યાય થઈ રહ્યો છે.ભવિષ્યમાં અમે પણ આવા લોકોનો વિરોધ કરીશું.દેશની અંદર અને બહારની શક્તિઓ સાથે મળીને દેશ વિરુદ્ધ કામ કરી રહી છે.આ આપણા દેશની આંતરિક બાબત છે.આ ઉપરાંત જમાતે નુપૂર શર્માને સસ્પેન્ડ કરી દેવાના ભાજપના નિર્ણયને પણ આવકાર્યો હતો.કાસમીએ કહ્યું હતું કે અમે કાયદાના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ કેમ કે ભારત દેશનો પોતાનો કાયદો છે અને અમે કાયદાને પોતાના હાથમાં લેવા જવાના નથી.કાયદો માર્ગો પર આવવા અને કાયદાને તોડવાની પરવાનગી આપતો નથી.
આ ઉપરાત જમાતે એક ફતવો જારી કરવાનો પણ નિર્ણય કર્યો છે.જેના થકી તે લોકોને નુપૂર શર્મા અને તેની ટિપ્પણી મામલે કોઇ પણ પ્રકારની હિંસાનું સમર્થન નહિ કરવાનો આગ્રહ કરશે.જમાતે કહ્યું કે ફતવો અસદુદ્દીન ઓવૈસી અને મહંમદ મદનીની સામે આવશે.ઉલ્લેખનીય છે કે ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપૂર શર્મા અને હાંકી કઢાયેલા નેતા નવીન કુમાર જિંદાલની વિવાદિત ટિપ્પણી મામલે દેશના વિભિન્ન ભાગોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઇ ગયા છે.આ વિરોધ યુપી,પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં હિંસક સ્વરૂપ પકડી ગયું છે.અખાતના કેટલાક દેશોએ પણ આ વિવાદાસ્પદ ટિપ્પણી સામે નારાજગી વ્યક્ત કરી છે.