નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર પોલીસે યુટ્યૂબ પર ઉશ્કેરણીજનક વીડિયો અપલોડ કરવાના આરોપ હેઠળ એક યુટ્યૂબર ફૈઝલ વાણીની ધરપકડ કરી છે.પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ફૈઝલ વાણીએ યુટ્યૂબ પર જે વીડિયો શેર કર્યો હતો તેનાથી જાહેર શાંતિનો ભંગ થયો તેમજ સામાન્ય પ્રજામાં ડર અને ચિંતા પણ જન્મી હતી.પોલીસે વધુમાં ઉમેર્યું કે,ફૈઝલ વિરુદ્ધ સફા કદલ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 505 અને 506 અંતર્ગત એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.ફૈઝલે કથિત રીતે યુટ્યૂબ પર જે વીડિયો પોસ્ટ કર્યો હતો તેમાં પૈગંબર મોહમ્મદ અંગે વિવાદિત ટિપ્પણી કરનાર ભાજપની સસ્પેન્ડેડ નેતા નૂપુર શર્માનું માથું વાઢી દેવાયું હોય તેવું ચિત્રણ કરવામાં આવ્યું હતું.
વીડિયો વાયરલ થયા બાદ ફૈઝલે તેને ડિલીટ કરી દીધો હતો અને પોતાની ભૂલ બદલ માફી પણ માંગી હતી.તેણે માફી માંગતા જણાવ્યું કે,વીડિયોને લઈને તેનો કોઈ બદઈરાદો નહતો.પૈગંબર મોહમ્મદને લઈને શુક્રવારે જમ્મુ-કાશ્મીર સહિત દેશના અન્ય ભાગોમાં પણ જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.ભાજપના નેતાઓ દ્વારા પૈગંબર મોહમ્મદ અંગે વાંધાજનક ટિપ્પણી બાદ ઉદ્ભવેલી તંગદીલીને જોતા શુક્રવારે જમ્મુના ભદ્રવાહ અને કિશ્તવાડના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો.કાશ્મીરના કેટલાક હિસ્સામાં બંધ જેવી સ્થિતિ રહી હતી.ભદ્રવાહ તથા કિશ્તવાડ અને શ્રીનગરમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી હતી.કાશ્મીરના કેટલાક હિસ્સામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા પણ સ્થગિત કરવામાં આવી હતી.