ન્યુ દિલ્હી : વર્તમાન અને પૂર્વ સાંસદો વિરૂદ્ધના ક્રિમિનલ કેસોના નિકાલ માટેની પ્રક્રિયામાં કોઇ ખાસ સુધારો જોવા મળ્યો નથી તેમ સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું. સુપ્રીમે આજે હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓને આ કેસોના નિકાલ માટે વિશેષ કોર્ટોની રચના કરવા માટેનો એકશન પ્લાન રજૂ કરવાના નિર્દેશ આપ્યા છે.સુપ્રીમ કોર્ટ ઇચ્છે છે કે સાંસદો વિરૂદ્ધના ક્રિમિનલ કેસોનો ઝડપી નિકાલ કરવામાં આવે.ન્યાયમૂર્તિ એન વી રમાણાના નેતૃત્ત્વવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા વારંવાર આ મુદ્દે નિર્દેશ આપવામાં આવ્યા હોવા છતાં આવા કેસોના નિકાલમાં ખાસ કોઇ પ્રગતિ જોવા મળી નથી.સાંસદો પાસે સત્તા હોવાથી તેઓ તપાસને પ્રભાવિત કરી શકે છેઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં ૨૦૧૬માં પણ એક આદેશ પસાર કર્યો હતો અને સાંસદો તથા ધારાસભ્યો વિરૂદ્ધના ક્રિમિનલ કેસોમાં થતાં અસહ્ય વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.ન્યાયમૂર્તિ એન વી રમાણા ઉપરાંત ન્યાયમૂર્તિ સૂર્ય કાંત અને ન્યાયમૂર્તિ ઋષિકેશ રોયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશનું રાજકારણમાં અપરાધીકરણ વધતુ જતું પ્રમાણ એક ચિંતાની બાબત છે.બીજી ચિંતાની બાબત એ છે કે સાંસદો પાસે સત્તા હોવાથી તેઓ તપાસને પ્રભાવિત કરી શકે છે.ખંડપીઠે તમામ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓને વર્તમાન અથવા પૂર્વ સાંસદો અને ધારાસભ્યો વિરૂદ્ધ ચાલી રહેલા ક્રિમિનલ કેસોની યાદી યોગ્ય ખંડપીઠ સમક્ષ રજૂ કરવા જણાવ્યું છે.સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે આવા કેસોની સુનાવણી દરરોજ થવી જોઇએ અને બે મહિનાની અંદર આવા કેસોનો નિકાલ થઇ જવો જોઇએ.ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન કે પૂર્વ સાંસદો અને ધારાસભ્યો સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ,૧૯૮૮ હેઠળ ૧૭૫ કેસ ચાલી રહ્યાં છે જ્યારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, ૨૦૦૨ હેઠળ ૧૪ કેસો ચાલી રહ્યાં છે.આ ઉપરાંત ૮ સપ્ટેમ્બર, ૨૦૨૦ સુધીમાં વર્તમાન કે પૂર્વ સાંસદો અને ધારાસભ્યો સામે કુલ ૪૪૪૨ ક્રિમિનલ કેસો ચાલી રહ્યાં છે.

