નવી દિલ્હી : તા.૨૧ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં મંગળવારે સતત પાંચમા દિવસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)એ ૧૦ કલાક કરતાં વધુ સમય સુધી પૂછપરછ કરી હતી.રાહુલ ગાંધીએ ઈડી ઓફિસમાં પાંચ બેઠકોમાં ૫૦ કલાકથી વધુનો સમય તપાસ એજન્સીના સવાલોનો સામનો કર્યો છે.ઈડીએ સોમવારે પણ રાહુલ ગાંધીની મોડી રાત સુધી પૂછપરછ કરી હતી.એ જ રીતે મંગળવારે પણ કોંગ્રેસ નેતાને મોડી રાત સુધી ઈડી ઓફિસમાં રખાયા હતા.બાવન વર્ષીય રાહુલ ગાંધીએ મંગળવારે પૂછપરછ વખતે સાંજે ૮.૦૦ વાગ્યે અડધા કલાકનો બ્રેક લીધો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે,કેસના વિવિધ પાસાઓ અંગે તેમના નિવેદનનું રેકોર્ડિંગ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે અને એક વખત કોંગ્રેસ નેતા અંતે એ-૪ સાઈઝના દરેક કાગળ પર તેમના હસ્તાક્ષર સાથે તેમનું સ્ટેટમેન્ટ રજૂ કરે પછી ૧૩મી જૂનથી શરૂ થયેલી આ પૂછપરછનો અંત આવશે.ઈડીએ ગયા સપ્તાહે સતત ત્રણ દિવસ સુધી રાહુલ ગાંધીની પૂછપરછ કરી હતી.સોમવારે મોડી રાત સુધી રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટનું રેકોર્ડિંગ ચાલુ રહ્યું હતું.