સુરત,તા.19 જાન્યુઆરી 2023,ગુરૂવાર : સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા 2 વર્ષથી ડ્રગ્સ સામે અભિયાન છેડવામાં આવ્યું છે.સુરત પોલીસે “નો ડ્રગ્સ ઇન સુરત સિટી” અભિયાન શરૂ કર્યું છે,જેમાં નશાનો વેપલો કરતા ઇસમોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે,ત્યારે ડ્રગ્સના વધી રહેલા દૂષણને ડામવા અને તેની સામે લોકોને વધુમાં વધુ જાગૃત કરવા સુરત શહેર પોલીસે નવતર પ્રયોગ અજમાવ્યો છે.જેમાં પોલીસે શહેરમાં ફરતી રિક્ષાઓ પર ડ્રગ્સ અવેરનેસ જાગૃતિના પોસ્ટરો લગાવ્યા છે અને શહેરીજનોને તેની સામે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
રિક્ષાઓ પર બેનર લગાડી લોકોને જાગૃત કરાઇ રહ્યા છે
સુરત શહેર પોલીસની ડ્રગ્સ સામેની ઝૂંબેશમાં હવે શહેરના રિક્ષા ચાલકો પણ જોડાયા છે.સુરત શહેર SOG પોલીસ દ્વારા શહેરના રિક્ષા ચાલકોને ડ્રગ્સ અવેરનેસ માટે જોડી દેવામાં આવ્યા છે.શહેરના 500થી વધુ રિક્ષા ચાલકોને “નો ડ્રગ્સ અગેઈન” મુહિમમાં જોડવામાં આવ્યા છે. 500થી વધુ રિક્ષા ઉપર ડ્રગ્સ સામેની જાગૃતતા ના સ્લોગન સાથેના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.આ તમામ રિક્ષાઓ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ફરીને લોકોને ડ્રગ્સ સામે જાગૃત કરવાનો પ્રયાસ કરશે.
સ્કૂલ વેન અને બસ પર પણ બેનરો લગાવશે
ડ્રગ્સના રવાડે યુવાધન વધુ આકર્ષાઈ રહ્યું છે.યુવાઓ ડ્રગ્સના રવાડે વધુ ચડી રહ્યા છે.જેને લઇ યુવાઓમાં સ્કૂલ સમયથી જ જાગૃતતા આવે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા આવા માધ્યમોમાં પણ જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો છે.સુરત પોલીસ દ્વારા જુદી જુદી શાળાની સ્કૂલ વેન અને સ્કૂલ બસો પર પણ પોસ્ટરો લગાવવાનું શરૂ કર્યું છે.સ્કૂલ વાન અને બસો થકી ડ્રગ્સ અવેરનેસ નો સંદેશ યુવાઓ સુધી અને તેના માતા-પિતાઓ સુધી પહોંચી શકે જેને લઇ આવા માધ્યમોને પોલીસે પોતાની સાથે જોડવાનો વધુ પ્રયાસ કર્યો છે.
સુરત શહેર SOG DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અને સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ડ્રગ્સ સામે વિશેષ મુહિમ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાતમાં કોઈપણ ખૂણેથી ડ્રગ્સ ઘુસાડી ન શકાય તે માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે.
આની સાથે સાથે લોકોને પણ ડ્રગ્સ નું સેવન ન કરવા માટે જાગૃત કરાઈ રહ્યા છે. જેના કારણે લોકો જો ડ્રગ્સ ખરીદશે નહીં અને જાગૃતતા આવી જશે તો વેચનારાઓની પણ આપોઆપ કમર તૂટી જશે.જે અંતર્ગત સુરતમાં વિવિધ કાર્યક્રમો થકી લોકોને ડ્રગ્સ સામે જાગૃત કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.હાલ શહેરમાં 500 જેટલી રિક્ષાઓ પર ડ્રગ્સ અવેરનેસના પોસ્ટરો લગાવીને તેની સામે જાગૃત કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે.સ્કૂલ કોલેજો જઈને પોલીસ દ્વારા જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવે છે.
પોસ્ટરમાં ડ્રગ્સ વિરુદ્ધ જાગૃતિ સ્લોગન લખાયા
સુરત પોલીસ દ્વારા રિક્ષા ઉપર ડ્રગ સામેના વિવિધ પ્રકારના જાગૃતિ સ્લોગન નો સાથેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.રિક્ષાઓ ઉપર “જીવનને હા કહો અને ઝેર ને કહો ના”, “SAY NO TO DRUGS”, “નશા ચાહે જેસા હો હોતા યહ બેકાર,શરીર તોડતા બીમારી લાતા કર દેતા લાચાર”, “SAY NO TO DRUGS” જેવા સ્લોગોનો સાથેના પોસ્ટરો લગાવીને રિક્ષાઓને શહેરમાં ફરતી મૂકવામાં આવી છે.