અમેરિકી અર્થવ્યવસ્થામાં ૨૪ ટકા સુધીના ઘટાડાની આશંકાઃ એપ્રિલ સુધીમાં ૧.૬૫ કરોડ લોકો બેકાર થઈ જશેઃ યુદ્ધ સમયે સંકટ હતુ તેવુ સંકટઃ મહામંદીથી પણ આગળ જઈ શકે છે દેશઃ કોરોનાના આફટરશોક અકલ્પનીય હશેઃ ઘેરાયા ચિંતાના વાદળો
વોશિંગ્ટન, તા. ૨૩ :કોરોનાના પ્રકોપને કારણે અમેરિકી અર્થવ્યવસ્થા અનિશ્ચિતતાના દોરમાં પહોંચી ગઈ છે.દેશભરમાં વેપાર-ધંધા ઠપ્પ થઈ ગયા છે. વ્યવસાયિક અને નાણાકીય ગતિવિધિના કેન્દ્ર એવા ન્યુયોર્કની સ્થિતિ ચિંતાજનક છે.એ જોવાનું મુશ્કેલ છે કે સ્થિતિ કેટલી હદ સુધી બગડશે.ઓકસફર્ડ ઈકોનોનિકસના પ્રમુખ અર્થશાસ્ત્રી અકિલા ગ્રેગ ડેકોના જણાવ્યા પ્રમાણે અર્થવ્યવસ્થામાં વર્ષના પહેલા ત્રીમાસિકગાળામાં ૦.૪ ટકા અને બીજા ત્રીમાસિકગાળામાં ૧૨ ટકાનો ઘટાડો થશે,પરંતુ ગોલ્ડમેન શોકસના કહેવા મુજબ બીજાગાળામાં ઘટાડાનો આંકડો ૨૪ ટકા થશે.તેઓનો એવો પણ દાવો છે કે હાલ બેકારોની સંખ્યા ૨૨ લાખ સુધી પહોંચી ગઈ છે,તો ડેકોનું અનુમાન છે કે એપ્રિલ સુધીમાં બેરોજગારીની સંખ્યા ૧ કરોડ ૬૫ લાખ થઈ શકે છે.અર્થતંત્રની આવી હાલત કદી જોવા મળી નથી.ન્યુયોર્ક સહિત તમામ મુખ્ય શહેરો લોકડાઉનમાંથી પસાર થઈ રહ્યા છે.ન્યુયોર્ક રાજ્યમાં જરૂરી સેવાઓને બાદ કરતા બધા લોકોને ઘરમાં પુરાઈ રહેવા જણાવાયુ છે.યુદ્ધ સમયે આવુ સંકટ હતુ.આ મહામંદીથી પણ આગળ જઈ શકે છે.મોર્ગન સ્ટેનલી બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી એલન જેન્ટરના કહેવા મુજબ પહેલા કદી કોઈ મંદીમાં લોકોને બહાર નીકળતા નહોતા અટકાવાયા.તેમનુ કહેવુ છે કે મોટી કંપનીઓ કરતા નાની કંપનીઓને માર પડશે.અર્થવ્યવસ્થા દોડતી હતી તે હવે ઠપ્પ થઈ ગઈ છે.અમેરિકાના શ્રમ વિભાગે કહ્યુ છે કે ગયા સપ્તાહે બેકારીનો દર ઉછળીને ૩૦ ટકા પહોંચી ગયો છે. છટણીના દાયરામાં આવતા લોકોની સંખ્યા ૨.૮૧ લાખ હતી હવે આ સંખ્યા નાની લાગી રહી છે. આવતા સપ્તાહ સુધીમાં આંકડો ૨૨ લાખથી વધુ પહોંચી જશે ડેકોનુ કહેવુ છે કે બેકારીનો દર એપ્રિલમાં ૧૦ ટકા થઈ જશે.આ હિસાબથી ૧.૬૫ કરોડ લોકો નોકરી ગુમાવશે.અગાઉની મંદીમાં પણ આવુ નહોતુ.


