અમદાવાદ, 23 જાન્યુઆરી સોમવાર 2023 : ન્યૂઝીલેન્ડથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે.અમદાવાદના 2 યુવક ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેર નજીક પિહા બીચ પર દરિયાના ઉંડા પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે.રુમ પાર્ટનર તરીકે રહેતા અંશુલ શાહ અને સૌરિન પટેલ મિત્રો વિકેન્ડમાં ઘરથી 40 કિલોમીટર દૂર પિહા બીચ પર ગયા હતા.જ્યાં સી-સર્ફિગ કરતા તેઓ પિહા બીચના ઉંડા પાણીમાં ગરકાવ થયા હતા.લાઈફ ગાર્ડ બોટ સાથેની ટીમો ત્યાં પહોંચી તેમને કિનારે લવાયા હતા પરંતુ ત્યા સુધી બંનેનું મોત થઈ ચૂક્યું હતું.
મળતી માહિતી મુજબ અમદાવાદનો અંશુલ શાહ ગેસ સ્ટેશન પર કેશિયર તરીકે ફરજ બજાવતો હતો.તેમજ સૌરીન નયનભાઈ પટેલ ઈલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકેની વર્ક પરમીટ પર 2022માં ન્યૂઝીલેન્ડ શિફ્ટ થયા હતા.શનિવારે બંને મિત્રો ફરવા માટે પીહા બીચ પર ગયા હતા.સર્ફિગ માટે જાણીતા આ બીચ પર અનેક સહેલાણીઓ ઉમટતા હોય છે.રુમ પાર્ટનર તરીકે સાથે રહેતાં બંને મિત્રો પેટ્રોલિંગ વિસ્તારની બહાર લાયન રોકની ઉત્તર દિશામાં અંદાજે 200 મીટર દૂર સ્વિમિંગ કરતા હતા.બંને ઉંડા પાણીમાં ડૂબવા લાગ્યાની શંકાથી લાઇફગાર્ડસ ત્યાં પહોંચ્યા હતા.બંનેને કાઠે લવાયા પણ ત્યાં સુધીમાં તેમના મોત નીપજ્યા હતા.
આ ઘટના જ્યારે બની ત્યારે અંશુલના પત્ની પણ બીચ પર હાજર હતા.ભારતીય દૂતાવાસના જણાવ્યાંનુસાર સહેલાણીઓ કાર લઈને અડધા કલાક કરતાં થોડા સમય પહેલાં જ બીચ પર પહોંચ્યા હતા.બંને યુવાનો સલામત વિસ્તારથી દૂર સ્વિમિંગ કરી રહ્યા છે,તે બાબત ધ્યાનમાં આવતા ટીમ દોડી હતી.ત્યાર બાદ બચાવ કામગીરી માટે હેલીકોપ્ટર પણ મંગાવવામાં આવ્યું હતું.પરંતુ કમનસીબે બંને યુવકોને ન બચાવી શકાયા.
ઓકલેન્ડના દરિયાકાંઠામાં ડૂબવાથી મૃત્યુ પામનારની સંખ્યામાં વધારો
ઓકલેન્ડના આ દરિયામાં અઠવાડિયામાં જ 5 લોકોના મોત નીપજ્યાં છે.આ અંગે ઈન્ડિયન હાઈકમિશનને પણ જાણ કરવામાં આવી હતી,અને તેમણે બંનેના પરિવારને જાણ કરી હતી.બંને યુવાનો અમદાવાદમાં ક્યાં રહે છે,તેની માહિતી સામે આવી નથી.