કોરોનાા વાયરસ સામે આખી દુનિયા જાણે જંગે ચડી હોય તેમ દરેક દેશ તેને નાથવાના પ્રયત્યનો કરી રહી છે. પરંતુ કોરોનાએ કાળ બનીને વિકરાળ રૂપ ધારણ કર્યું છે. તેમાં વિકસિત દેશોની યાદીમાં આવતા અમેરિકાની હાલત પણ ખરાબ છે. એડવાન્સ ટેકનોલોજી ધરાવતા અમેરિકામાં પણ ચારેયબાજુ અફડાતફડીનો માહોલ સર્જાયો છે. ચીનના વુહાનની જેમ અમેરિકામાં ન્યૂયોર્ક કોરોનાનું એપી સેન્ટર બની ગયું છે. જી હા ન્યૂયોર્ક શહેરમાં 30000થી વધુ કોરોનાના દર્દીઓ થઇ ગયા છે. દર ત્રીજા દિવસે દર્દીઓની સંખ્યા બમણી થઈ રહી છે ત્યારે માનવજાતને હચમચાવતી માહિતી સામે આવી છે. કહેવાય છે કે આવનારા થોડાંક દિવસોમાં જ હજારો લોકોના મોત થવાની વકી હોવાથી મૃતદેહોને અલગ સ્થળે રાખવાની તૈયારીઓ ચાલી રહી છે.
ટેન્ટ અને ટ્રકોને મડદાઘર બનાવ્યા
CNNના રિપોર્ટ પ્રમાણે ન્યૂયોર્કની અનેક હોસ્પિટલોમાં ટેન્ટ અને રેફિજરેટર ટ્રકોને મડદા ઘર બનાવવામાં આવી રહ્યા છે. અહીંના ચીફ મેડિકલ ઓફિસરે કહ્યું કે, સ્થિતિ બેકાબૂ થતી જઈ રહી છે. ન્યૂયોર્કમાં પહેલા જ ઇમરજન્સીની જાહેર કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આવી જ રીતે કામચલાઉ મડદાઘર 9/11ના હુમલા બાદ પણ તૈયાર કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, કોરોના વાયરસથી મોત બાદ લાશોને અલગ શબઘરોમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે જેના કારણે તેનું સંક્રમણ વધુ ન ફેલાય.
અમેરિકાના અનેક શહેરોની સ્થિતિ અંગે જાણી કંપી ઉઠશો
અમેરિકાના અધિકારીઓના જણાવ્યાનુસાર ન્યૂયોર્ક ઉપરાંત નોર્થ કેરોલિનામાં પણ આ પ્રકારના ટેન્ટ અને રેફ્રિજરેટર ટ્રક તૈયાર કરવામાં આવી રહ્યા છે. અમેરિકામાં અત્યાર સુધી 900થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ન્યૂયોર્કમાં આવનારા દિવસોમાં વેન્ટીલેટરની ઘટાડો આવી શકે છે. અમેરિકામાં 20 ટકાથી વધુ દર્દીઓને આઈસીયુમાં દાખલ કરાયા છે અને તેમાથી 80 ટકા દર્દીઓને વેન્ટિલેટરની જરૂર પડે છે.
શું ન્યૂયોર્ક વુહાન બની જશે?
બીજી તરફ, WHO તરફથી કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા પૂરી દુનિયા માટે કોરોના વાયરસનું નવું કેન્દ્ર બની ગયું છે. ચીનના વુહાન બાદ સૌથી વધુ મોત આ શહેરમાં થઈ શકે છે. ન્યૂયોર્કની વસ્તી લગભગ 80 લાખ છે. છેલ્લા કેટલાક દિવસોમાં અહીં કોરોના વાયરસના સંક્રમણના કારણે 150થી વધુ મોત થયા છે. તાજા આંકડાઓ મુજબ, અત્યાર સુધી અમેરિકામાં 65 હજાર લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે.


