એજન્સી, નવી દિલ્હી : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સામે વૈશાખીના પવિત્ર દિવસે શરાબના નશામાં તખ્ત શ્રી દમદમા સાહિબમાં જવાનો અકાલી દળે આરોપ મુક્યો છે.આ મામલે શિરોમણી ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીએ મુખ્યમંત્રી ભગવંત માન પર શીખ મર્યાદાના ભંગનો આરોપ લગાવ્યો છે.કમિટીએ ભગવંત માનને ભૂલ સ્વીકારી અને શીખ સમાજની માફી માંગવા કહ્યું છે.અકાલી દળના વડા સુખબીર બાદલે ભગવંત માનની મેડિકલ તપાસ કરાવવાની માંગ પણ કરી છે.શુક્રવારે શિરોમણી ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીએ કહ્યું કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુરુના ઘરની શ્રદ્ધા ભૂલ્યા છે,એટલું જ નહીં બંધારણનું અપમાન કર્યું છે.આ અનૈતિકતાની પરાકાષ્ઠા છે આ સાથે કમિટીએ ભગવંત માનના કૃત્યને વખોડી કાઢ્યું છે.આ સાથે કમીટીના પદાધિકારીઓએ કહ્યું કે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું હતું કે જ્યારે એ(મુખ્યમંત્રી માન) પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે દારૂના નશામાં હતા.એટલા માટે એ યોગ્ય રીતે વાત કરી શકતા નહોતા.આના એક દિવસ પહેલા અકાલી દળના વડા સુખબીર બાદલે મુખ્યમંત્રી ભગવંત માન પર ‘બેઅદબી’નો આરોપ લગાવ્યો છે.બીજી તરફ, આમ આદમી પાર્ટીના પ્રવક્તા માલવિંદર સિંહ કંગે કહ્યું કે આ પ્રકારની પાયાવિહોણી વાત કરવી એ અકાલીદળને શોભતું નથી. પંજાબના મુદ્દા પર વાતચીત કરવાને બદલે અકાલી દળ લોકોને ગેરમાર્ગે દોરે છે.આ તમામ આરોપો ખોટા છે.

