– સીએમ બન્યા બાદ પણ તેમના પર નશાની હાલતમાં ગુરૂદ્વારામાં જવાનો આરોપ લાગી ચૂક્યો છે
નવી દિલ્હી, તા. 19 સપ્ટેમ્બર 2022, સોમવાર : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમના 8 દિવસના જર્મની પ્રવાસ પરથી પરત ફર્યા છે. તેઓ પંજાબમાં વિવિધ પ્રોજેક્ટ્સમાં રોકાણ મેળવવા માટે જર્મનીના પ્રવાસ પર હતા.જોકે, તેમનો આ પ્રવાસ વિવાદોમાં ઘેરાયો છે.
BMWના ભારતીય યુનિટે પંજાબમાં એક યુનિટ સ્થાપવાની યોજના બનાવી હોવાનો ઈનકાર કર્યા બાદ રાજકીય વર્તુળોમાં પંજાબના મુખ્યમંત્રીના પરત ફરવામાં વિલંબ વિશે ખૂબ જ અટકળો લગાવવામાં આવી રહી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમની શરાબની લતના કારણે તેઓ દિલ્હીમાં યોજાનારા આમ આદમી પાર્ટીના પ્રથમ કોન્ક્લેવમાં સામેલ નહોતા થઈ શક્યા.રાજકીય પ્રતિદ્વંદ્વીઓએ સીએમ માનને શનિવારની રાત્રે નશામાં હોવાના કારણે ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા તેવા આરોપો લગાવ્યા હતા.આમ આદમી પાર્ટીએ તેમના રાજકીય પ્રતિદ્વંદ્વીઓ દ્વારા કરવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે.
પાર્ટીના મુખ્ય પ્રવક્તા મલવિંદર સિંહ કાંગે જણાવ્યું કે, આપણાં રાજકીય વિરોધીઓ મુખ્યમંત્રીને બદનામ કરવા માટે આ વાતો ફેલાવી રહ્યા છે.તેઓ એ વાત પચાવી નથી શકતા કે, સીએમ માન પંજાબમાં રોકાણ મેળવવા માટે સખત મહેનત કરી રહ્યા છે.સીએમ નિયત સમય મુજબ પરત ફર્યા છે.તેઓ રવિવારે રાત્રે અહીં ઉતરવાના હતા અને તેઓ પહેલાથી જ દિલ્હીમાં ઉતરી ચૂક્યા છે.રસપ્રદ વાત એ છે કે, રાજ્ય સરકારના અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે મુખ્યમંત્રી તબિયત લથડી હોવાને કારણે તેઓ જર્મનીથી પરત ફ્લાઈટમાં બેસી શક્યા નહોતા.સીએમ માનની સાથે રાજ્ય કેડરના ચાર IAS અધિકારીઓ અને વિભાગના એક સલાહકાર પણ હતા. તેઓએ સંભવિત રોકાણકારો સાથે જર્મનીમાં શ્રેણીબદ્ધ બેઠકો કરી હતી અને તેમને અહીં ફેબ્રુઆરીમાં ઈન્વેસ્ટર્સ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.આ જ ફ્લાઈટમાં એક ભારતીય સહયાત્રીએ પોતાનું નામ ન જણાવવાની શરત પર કહ્યું કે, સીએમ પોતાના પગ પર ઊભી રહેવાની સ્થિતિમાં નહોતા કારણ કે, તેમણે ખૂબ જ શરાબ પીધી હતી.તેઓ પોતાના પગ પર ઊભા નહોતા રહી શકતા.તેમની સાથે આવેલા સુરક્ષાકર્મીઓની મદદથી તેઓ પ્લેનમાં ચઢ્યા હતા.
વિપક્ષી પાર્ટીઓએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની શરાબની લતને વિધાનસભા ચૂંટણીમાં પણ મુદ્દો બનાવ્યો હતો.સીએમ બન્યા બાદ પણ તેમના પર નશાની હાલતમાં ગુરૂદ્વારામાં જવાનો આરોપ લાગી ચૂક્યો છે.

