– કચ્છના લખ્ખી ગામમાંથી બે ઈસમોની અટકાયત કરાઈ, અમદાવાદ ખાતે લવાયા
– બન્ને આરોપીઓને પંજાબ પોલીસને સોંપવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
તાજેતરમાં પંજાબ પોલીસ દ્વારા એક ટ્રકમાંથી 38 કિલો હેરોઈન જપ્ત કરાયું હતું.જેની તપાસમાં આ માદક પદાર્થ ગુજરાતના ભૂજથી પંજાબ ગયો હોવાનું સામે આવ્યું હતું.જેને પગલે ગુજરાત એટીએસ દ્વારા ત્વરિત તપાસ હાથ ધરીને આ મામલે 2 આરોપીઓની કચ્છમાંથી ધરપકડ કરવામાં આવી છે.આ બન્ને આરોપીઓને પંજાબ પોલીસને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત 27 ઓગષ્ટના રોજ પંજાબ પોલીસ દ્વારા એક ટ્રકના ટૂલ બોક્ષમાંથી 38 કિલો હેરોઈન ઝડપી પાડવામાં આવ્યું હતું.જેમાં મુદ્દામાલ સાથે બે આરોપીઓ કુલવિન્દર રામ ઉર્ફે કિન્દા તથા બિટ્ટુ બન્ને રહે પંજાબની અટકાયત કરવામાં આવી હતી.આ મામલે ગુનો નોંધી પંજાબ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે આ ટ્રક ભુજ થી પંજાબ ગયો હતો.આ બાબતની જાણ પંજાબ પોલીસ દ્વારા ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી.
મહત્વનું છે કે ગુજરાત એટીએસના અધિકારીઓ ને આ બાબતની જાણ થતાં જ તેઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.જેને પગલે ગુજરાત એટીએસ દ્વારા ટેક્નીકલ તથા હ્યુમન ઈન્ટેલીજન્સ મારફતે માહિતી મળી હતી કે કચ્છના ગુવાર મોટી ગામ પાસે આવેલ લખ્ખી ગામના બે ઈસમો ઉમર ખમીસા જત અને હમદા હારૂન જત આ ગુનામાં સંડોવાયેલા છે.જેની જાણ થતાં જ ગુજરાત એટીએસના પોલીસ ઈન્સપેક્ટર એમ.એસ.ત્રિવેદી તથા સી.એચ.પનારા ની ટીમ કચ્છ જવા રવાના થઈ હતી.
આ વિશે મળતી માહિતી મુજબ બે દિવસ અગાઉ જ ગુજરાત એટીએસ દ્વારા કચ્છના લખ્ખી ગામ ખાતેથી સદર બન્ને ઈસમોની અટકાયત કરીને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા.આ બન્ને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતાં જાણવા મળ્યુ હતુ કે, આ માલ પાકિસ્તાનના ગુલ મોહમ્મદ દ્વારા મોકલવામાં આવ્યો હતો.હાલ આ બન્ને આરોપીઓને પંજાબ પોલીસને સોંપવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જે બાદ તેઓની પૂછપરછમાં અનેક ખુલાસા થઈ શકે છે.