પતિયાલા : ડીમાન્ડ અને સપ્લાયની ટાઈટ પરિસ્થિતિ વેઠી રહેલાં પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ (PSPCL) ને તલવંદી સબો અને રોવરના થર્મલ પાવર પ્લાંટના બોયલર્સમાં લિકેજ થતાં વધુ એક ફટકો પડયો છે.આથી અંદરના જ માણસો જણાવે છે કે આના પરિણામે ઓછામાં ઓછી રોજની ૨૦૦ લાખ યુનિટસની વીજળીની ખેંચ પડવા સંભવ છે.પંજાબ અત્યારે પણ રૂા. ૨૦૦ કરોડનો પાવર ખરીદે છે.તેમાં ઉનાળામાં ઉષ્ણતામાન વધતાં આ શોર્ટેજ વધી જશે, તેથી વધુ પાવરકટસ અનિવાર્ય બનશે.PSPCL ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અત્યારે જ વીજળીની માગ આશરે ૭૫૦૦ મેગા વોટ્સ જેટલી છે.પરંતુ તેનો સપ્લાય તેથી ઘણો ઓછો છે.તેથી આ ગાળો પૂરવા માટે અમારે પાવરકટસ કરવા જ પડે તેમ છે.દરમિયાન કોલસાની તંગીને લીધે વીજ ઉત્પાદનમાં ખોટ આવતાં રાજ્યનાં તમામ થર્મલ પાવર પ્લાંટસ તેમની કેપેસીટીથી ઓછા દરે કામ કરે છે.તેવામાં ડાંગરની ખેતીની સીઝન આવી રહી છે.જૂનના મધ્યભાગથી શરૂ થનારી આ સીઝનને લીધે રાજ્યમાં ૧૫,૦૦૦ મેગાવોટ પાવરની જરૂરિયાત ઉભી થશે.આમ છતાં PSPCL જણાવે છે કે વીજળીની ખોટ તો માત્ર ટૂંક સમયની જ છે.પરંતુ એક્સપર્ટ કહે છે કે આગામી ૪ મહિના સુધી લાંબા સમયનો પાવર કટ ચાલુ જ રહેશે.આ પૂર્વે રાજ્યના વિદ્યુત મંત્રી હરભજન સિંઘ કહે છે કે PSPCL દ્વારા તે માટે પહેલેથી જ વ્યવસ્થા કરી લીધી છે, અને આગામી ડાંગર સીઝન દરમિયાન જ્યારે વીજળીની માગણી સૌથી ઊંચી જશે ત્યારે તે પૂરી પાડવા તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ પંજાબના ઉદ્યોગો તો ડાંગરની ઋતુ શરૂ થાય તે પહેલેથી જ આવી પડનારા પાવર કટ અંગે સચિંત છે.તેમ PSPCL ના એકપૂર્વ ઇજનેરનું કહેવું છે.