– કચરાનાં ઢગલામાં આગ લગાડ્યા બાદ કેમિકલ ભરેલી બોટલ ફુટી
– ધડાકાનો અવાજ સંભળાતા જ લોકોએ પોલીસને જાણ કરી
લુધિયાણા, તા.08 જૂન-2023, ગુરુવાર : પંજાબના લુધિયાણા કોર્ટ પરિસરમાં આજે વિસ્ફોટથી ખળભળાટ મચી ગયો હતો.આ વિસ્ફોટના અવાજથી ગભરાઈ ગયેલા લોકોએ પોલીસને જાણ કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે વિસ્ફોટ કોર્ટ પરિસર પાસે કચરાના ઢગલામાં આગ લગાવવાથી થયો હતો.
આગથી કેમિકલ ભરેલી બોટલ ફુટી
આ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે એક સફાઈ કર્મચારીએ કચરાના ઢગલામાં આગ લગાડી હતી અને ઢગલામાં કેમિકલ ભરેલી બોટલમાં આગ લાગવાને કારણે વિસ્ફોટ થયો જેનો અવાજ સાંભળીને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.એસીપી જસરૂપ કૌર બાથનું કહેવું છે કે કચરાના ઢગલામાં એક બોટલ હતી જેમાં કેમિકલ ભરેલું હતું તે આગને કારણે ફાટ્યું હતું.
બ્લાસ્ટમાં સફાઈ કર્મચારી ઈજાગ્રસ્ત
વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે પહોંચેલા સબ-ઈન્સ્પેક્ટર નીરજ ચૌધરીએ જણાવ્યું કે, સફાઈ કર્મચારીઓ દરરોજ કચરાના ઢગલામાં આગ લગાવતા હોય છે.આજે પણ તેમણે આવું જ કર્યું હતું,જેના કારણે કચરાના ઢગલામાં પડેલી કાચની બોટલ ગરમ થઈને ફુટતા વિસ્ફોટ થયો હતો.બ્લાસ્ટમાં સફાઈ કર્મચારીના પગમાં ઈજા થઈ હતી.
અગાઉ 2021માં કોર્ટમાં થયો હતો જોરદાર બ્લાસ્ટ
અગાઉ વર્ષ 2021માં લુધિયાણાની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં બ્લાસ્ટ થયો હતો.આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.આ બ્લાસ્ટ કોર્ટના બીજા માળે થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકના મકાનોના કાચ અને દિવાલો તુટી ગઈ હતી.