– અમૃતસર નજીક બાબા રોડે શાહની દરગાહ પર યોજાતા મેળામાં કોરોના ગાઈડલાઈનું છડેચોક ઉલ્લંઘન
ફતેગઢ ચુરિયાન (પંજાબ) : દેશમાં કોરોનાના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે છતાં કેટલાક લોકો કોરોનાને હળવાશમાં લઈ રહ્યા છે.ધાર્મિક સ્થળો પર પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહીં થતું હોવાના કેટલાક કિસ્સા સામે આવી રહ્યા છે. કોરોનાના કેસો માંડ કાબૂમાં આવ્યા હતા ત્યાં તેને હળવાશમાં લેતા કોરોનાની ખતરનાક બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવ્યો છે.લોકો માસ્ક પહેરાવનું ભૂલી ગયા છે તેમજ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડી રહ્યા છે.પંજાબના અમૃતસરમાં બાબા રોડે શાહની દરગાહ પર યોજાયેલા મેળામાં આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા.બાબા રોડે શાહની દરગાહમાં લોકો દારૂનો પ્રસાદ ચઢાવે છે અને અહીં યોજાતા મેળામાં છડેચોક કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હોવાનું જોવા મળ્યું હતું.
અમૃતસરથી ફતેહગઢ ચુરિયાન રોડ પર આવેલા ભોમા ગામમાં બાબા રોડે શાહની દરગાહ આવેલી છે અને છેલ્લા 90 વર્ષથી અહીં મેળાનું આયોજન થાય છે.બુધવારે અહીં મેળાનું સમાપન થયું હતું.આ દરગાહના વહીવટદાર અને ગામના સરપંચ ગુરનેક સિંહે જણાવ્યું કે, બાબા રોડે શાહે અહીં આવતા શ્રદ્ધાળુ પાસેથી દારૂને એક મોટા વાસણમાં એકત્રીત કરતા હતા અને બાદમાં તેને પ્રસાદ રૂપે વેચતા હતા પરંતુ ક્યારેય તેઓએ દારૂનું સેવન કર્યું નહતું.સામાન્ય રીતે આ દરગાહ પર દારૂનો પ્રસાદ ચઢાવવામાં આવે છે પરંતુ મેળા દરમિયાન તેમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.
બાબા રોડે શાહની મઝાર પર વર્ષોથી લોકો દારૂનો પ્રસાદ અર્પણ કરે છે.લોકો હાથમાં દારૂની બોટલ લઈને દર્શન કરવા પહોંચતા હોય છે તેમ ગામના એક યુવક ગુરુસેવ સિંહે જણાવ્યું હતું.અગાઉ પ્રથમ દિવસે પુરૂષો દર્શન કરતા હોય છે અને બીજા દિવસો ફક્ત સ્ત્રીઓ જ દર્શન કરતી હોય છે.જો કે સમય પસાર થતા બન્નેને એકસાથે અહીં દર્શન કરવાની છૂટ આપવામાં આવી હતી.દર્શન માટે આવતા તમામ લોકો બાબાની સમાધી પર દારૂ અર્પણ કરે છે.બાદમાં એક મોટા વાસણમાં દારૂ ઠલવાય છે અને ભક્તોને આ દારૂ પ્રસાદી પેટે આપવામાં આવે છે જેને લોકો ગ્રહણ કરે છે.આ દરગાહની ખાસિયત એ છે કે અહીં દારૂનો પ્રસાદ ચઢાવવામાં આવે છે.
કોરોનાકાળમાં વધુ લોકોને જાહેર સ્થળો પર એકત્ર થવા પર રોક લગાવવામાં આવી છે ત્યારે પંજાબમાં આ મેળવામાં લોકો નોંધપાત્ર સંખ્યામાં ઉમટી પડીને છડેચોક કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી રહ્યા છે.કોરોનાના કેસોમાં છેલ્લા 24 કલાકમાં પાંચ મહિનાનો સૌથી મોટો ઉછાળો નોંધાયો છે.ગુરુવારે દેશમાં 53,476 નવા કેસો નોંધાયા હતા.