નવી દિલ્હી, તા. 19 માર્ચ 2022, શનિવાર : પંજાબની રાજધાની ચંડીગઢમાં મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann)ના મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો જ્યાં 10 ધારાસભ્યોએ મંત્રી પદની શપથ લીધી હતી.ભગવંત માનની કેબિનેટમાં એક મહિલા મંત્રી પણ સામેલ છે.પંજાબ રાજભવનમાં આયોજિત કરવામાં આવેલ આ કાર્યક્રમમાં જે મંત્રીઓએ શપથ ગ્રહણ કરી તેમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા હરપાલ સિંહ ચીમા પ્રમુખ છે.આ નવી સરકારમાં બલજીત કૌર એકમાત્ર મહિલા મંત્રી છે.તેમના સિવાય હરભજન સિંહ ઈતો,વિજય સિંઘલા લાલ સિંહ કટરોચક,ગુરમીત સિંહ મીત હાયર,કુલદીપ સિંહ ધાલીવાલ,લાલજીત સિંહ ભુલ્લર,બ્રહ્મ શંકર અને હરજોત સિંહ બૈંસે પણ મંત્રી પદનું શપથ ગ્રહણ કર્યું હતું.
પંજાબના સીએમ મુખ્યમંત્રી માને શનિવારે પોતાના મંત્રીમંડળમાં સામેલ થનાર 10 ધારાસભ્યોના નામ અને તેમની તસવીર ટ્વિટર પર શેર કરી હતી અને લખ્યું હતું કે,પંજાબનું નવું મંત્રીમંડળ શનિવારે શપથ ગ્રહણ કરશે.પંજાબની આપ સરકારમાં સામેલ થનાર બધા મંત્રીઓને ખૂબ-ખૂબ અભિનંદન.પંજાબની જનતાએ અમને બધાને ખૂબ મોટી જવાબદારી આપી છે.અમારે દિવસ-રાત મહેનત કરીને લોકોની સેવા કરવાની છે અને પંજાબને એક ઈમાનદાર સરકાર આપવાની છે.
આમ આદમી પાર્ટીએ 117માંથી 92 બેઠકો કબજે કરી
સૂત્રોનું કહેવું છે કે,શપથ લીધા બાદ મંત્રી પોતાને ચાર્જ સંભાળશે અને બપોરના સમયે AAP સરકારની પ્રથમ કેબિનેટ બેઠક યોજાશે. પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે ગયા બુધવારે માનને મુખ્યમંત્રી પદનું શપથ ગ્રહણ કરાવ્યું હતું.આ વખતની વિધાનસભી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 117 સભ્યોની વિધાનસભામાંથી કુલ 92 બેઠકો મળી છે.રાજ્યના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ એક પાર્ટી 92 બેઠકો જીતવામાં સફળ રહી હોય.