– આપના નેતાઓએ સીબીઆઈના ડિરેક્ટરને મળવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેમને કચેરીમાં પ્રવેશ અપાયો નહોતો.
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે તેમની આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને પક્ષપલટો કરવા માટે ભાજપે કરોડોની ઓફર કરી છે.હવે આ મામલે ભાજપે બુધવારે કેજરીવાલ અને સિસોદિયાના એ આરોપોની ફોરેન્સિક તપાસની માંગ કરી છે. દિલ્હીના ભાજપના સાત સાંસદોએ ઉપરાજ્યપાલ વી.કે.સક્સેનાને આ મામલામાં એક પત્ર લખી અને ઉચિત પગલાં ભરવા વિનંતી કરી છે.
ભાજપ હેડઓફિસમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપા સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે આબકારી નીતિ અને શાળાના વર્ગોના નિર્માણમાં થયેલા કથિત ભ્રષ્ટાચારથી ધ્યાન ભટકાવવા માટે આપ આદમી પાર્ટીના નેતાઓ દુર્ભાવનાપૂર્ણ,ખોટા અને ગેરમાર્ગે દોરે તેવા આરોપ લગાવી રહ્યા છે.ભાજપ સાંસદ તિવારીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરાઈ છે અને આ માટે અનેક ફોન આવ્યા હતા.જો કોઈનો ફોન આવ્યો હોત તો કેજરીવાલે સ્પષ્ટ કરવું જોઈએ કે કોનો ફોન આવ્યો હતો અને કયા ધારાસભ્યને ફોન કર્યો હતો.
ભાજપના ઓપરેશન લોટસની તપાસ માટે આપના CBI ઓફિસ પર ધરણાં
બિન-ભાજપી રાજ્યોની સરકારોને કથિત રીતે ઉથલાવવાના ભાજપના પ્રયાસોની સીબીઆઈ તપાસની માગ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓએ બુધવારે તપાસ સંસ્થાના મુખ્યાલય ખાતે પ્રદર્શન અને ધરણાં યોજ્યાં હતાં.આપના નેતાઓએ સીબીઆઈના ડિરેક્ટરને મળવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેમને કચેરીમાં પ્રવેશ અપાયો નહોતો.આપના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે ભાજપ દ્વારા તેમના ધારાસભ્યોને નાણાકીય લાલચ આપી ખરીદવાનો પ્રયાસ કરી દિલ્હીની સરકારને ઉથલાવવાના પ્રયાસો કરાઈ રહ્યાં છે.