નવી દિલ્હી,27 માર્ચ 2020 શુક્રવાર
ભારતમાં લોકડાઉનને કારણે આ મહિને લોકોએ તેમના બેંક ખાતામાંથી ઝડપથી પૈસા પાછા ખેંચી લીધા છે. જેથી કરીને કટોકટીની સ્થિતિમાં તેમને હેરાનગતી ન થાય.
13 માર્ચના રોજ પૂરા થયેલા પખવાડિયામાં લોકોએ બેંકોમાંથી રેકોર્ડ રૂ 53,000 કરોડ ખેંચી લીધા છે. છેલ્લા 16 મહિનાનો આ રેકોર્ડ સ્તર છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ શુક્રવારે આ અંગે માહિતી આપી છે. સામાન્ય રીતે આટલી મોટી રકમ ફક્ત તહેવારો અથવા ચૂંટણી દરમિયાન જ બેંકોમાંથી ઉપાડવામાં આવે છે.
બજારમાં કેટલા રૂપિયા છે?
જાહેર જનતા માટે બેન્કિંગ સિસ્ટમ દ્વારા ચલણ પુરૂ પાડતી સેન્ટ્રલ બેંકે (RBI) આ પખવાડિયા દરમિયાન આ રકમ જાહેર કરી છે. આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 13 માર્ચ સુધીમાં કુલ 23 લાખ કરોડ સામાન્ય લોકોના હાથમાં હતાં.
રોકડ ઉપાડ કેમ વધ્યું?
અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે લોકો કટોકટી જેવી પરિસ્થિતિમાં કોઈ તકનીકી મુશ્કેલીમાં મુકાવા માંગતા નથી.
બેંકો ભલે ડિજિટલ ટ્રાંઝેક્શનને પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ ફ્લિપકાર્ટ જેવી ઇ-કોમર્સ વેબસાઇટ્સે તેમની સેવાઓ બંધ કરી દીધી છે.
આવી સ્થિતિમાં બજારમાં મોટાભાગના લોકો રોકડ વાપરવાને પ્રાધાન્ય આપી રહ્યા છે. આથી જ રોકડમાં ટ્રાન્ઝેક્શન વધ્યું છે.
શું અસર થઇ શકે?
જો કે, બેંકોમાં આટલા મોટા પ્રમાણમાં રોકડ રકમ પરત ખેંચી લેવાની અસર બેંકોની થાપણો પર પણ થશે.
નાણાબજારની વધઘટ દરમિયાન બજારની પ્રવાહિતા (Liquidity)પર અસર થઇ શકે છે. કેટલાક નિષ્ણાતો માને છે કે આગામી સમયમાં રોકડ ઉપાડમાં ઘટાડો થશે.