અમદાવાદ : સોલા પોલીસ સ્ટેશનમાં પતિ પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે.એક પરિણીતાએ પતિ,સાસુ-સસરા અને જેઠાણી સામે ફરિયાદ નોંધાવી એવા આક્ષેપ કર્યા છે કે તેનો પતિ અકુદરતી સંબંધ બાંધી તેને વાયરથી માર મારતો હતો.પતિ પ્રેમિકા સાથે લગ્ન કરી બંનેને સાથે રહેવા દબાણ કરી પત્ની પાસે પતિ સંમતિ માગતો હતો.ઉપરાંત, તે પ્રોપર્ટી ખરીદવાના બહાને પ્રોપર્ટીના કાગળોની આડમાં છૂટાછેડાના કાગળો પર સહી કરાવી બે કરોડનું દહેજ માંગી માર મારી ત્રાસ આપતો હતો.
ગોતામાં રહેતી 39 વર્ષીય મહિલાના 2005માં લગ્ન થયા હતા. 2012-2013માં કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં વધુ નફો મળતા પતિએ તે ધંધો શરૂ કર્યો હતો.બાદમાં પતિનું વર્તન બદલાયું અને તે અન્ય યુવતીઓ સાથે વાતો કરી મોજશોખ કરવા લાગ્યો હતો. આ મામલે પત્નીએ વાત કરતા પતિએ તેને તું પિયર જતી રહે,હવે તારી જરૂર નથી તેમ કહી મારી હતી.પતિને તેની ઓફિસમાં કામ કરતી યુવતી સાથે પ્રેમ થતા તે એકવાર પ્રેમિકા સાથે ફરવા નીકળી ગયો હતો.પકવાન ચાર રસ્તા નજીક અકસ્માત થતાં તેની સામે હિટ એન્ડ રનની ફરિયાદ નોંધાઇ હોવાનું પત્નીને જાણવા મળ્યું હતું.
એક દિવસ મહિલાને પતિ ફરવા જવાનું કહી નિરમા યુનિ. પાસે લઇ ગયો હતો.ત્યાં ગાડી ઊભી રાખી ધંધાકીય બાબતે સહીની જરૂર હોવાનું કહી સહી કરાવી લીધી હતી.બાદમાં એક કાગળ વાંચવા આપતા મહિલાએ તે કાગળ વાંચવાની મનાઇ કરતા ગળા પર ચપ્પુ રાખી બાળકો અને તેનું મર્ડર કરવાની ધમકી આપતા મહિલાએ કાગળનું લખાણ વાંચતા પતિએ રેકોર્ડિંગ કરી લીધું હતું.બાદમાં દિવાળી પર પતિએ ખોટો પ્રેમ દર્શાવી ગિફ્ટ આપી બે કરોડ લાવવા ધમકી આપી પત્નીને બ્લેકમેલ કરી હતી.ત્યારબાદ પતિએ માર મારતા પત્નીને ઇજાઓ થતાં તેને ડોક્ટર પાસે લઇ ગયો હતો.ડોક્ટરે દવા આપવા છતાંય તેને સારું ન થતાં મહિલા પિયર ગઇ હતી.ત્યાં અન્ય ડોક્ટરને બતાવતા તેના પતિએ માત્ર ઊંંઘની દવાઓ ખવડાવી હોવાનું જણાવ્યું હતું.
મહિલાએ ઊંઘની દવા આપવા બાબતે વાત કરતા તેના પતિએ બધાને રેકોર્ડિંગ મોકલવાની ધમકી આપી બંને વચ્ચે છૂટાછેડા થયા હોવાનું કહેતા મહિલા નવાઇ પામી હતી.ક્યારે છૂટાછેડા થયા તે બાબતે પૂછતા પતિએ કબૂલાત કરી કે તેણે પ્રોપર્ટીના કાગળોની આડમાં છૂટાછેડાના કાગળો પર તેની સહી કરાવી હતી.તેથી મહિલાને લાગી આવતા તે કેનાલમાં આપઘાત કરવા નીકળી હતી.જો કે તેને પરિવારજનોએ બચાવી લીધી હતી.આ પ્રકારના ત્રાસથી કંટાળી મહિલાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરવા લઇ જઇ પત્ની પાસે બોલાવ્યું ‘હું તારી દાસી છું’
એક વાર પતિ આ મહિલાને રણથંભોર ફરવા લઇ ગયો હતો.ત્યારે બંને વચ્ચે પ્રેમિકાની વાતને લઇને ઝઘડો થયો હતો.ત્યારે પતિએ આપણે ત્રણેય શાંતિથી રહીશું તું સંમતિ આપ તેવું કહેતા પત્નીએ મનાઇ કરી હતી.જેથી ઉશ્કેરાઇને પતિએ કેબલથી માર મારી પેટમાં લાતો મારતા મહિલાને લોહીની ઉલટીઓ થઇ હતી.બાદમાં પતિએ બેડ પર બેસીને પત્નીને નીચે બેસાડી બે હાથ જોડાવી બોલાવડાવ્યું કે ‘હું તારી દાસી છું,તમે કહો એમ મારે કરવાનું અને રહેવાનું’. બાદમાં અમદાવાદ આવી પતિ છૂટાછેડા કેન્સલ કરાવવા વકીલની ઓફિસે લઇ ગયો જ્યાં છૂટાછેડા કેન્સલ માટે લેટર બનાવડાવી તે લેટર પત્નીને આપ્યો નહોતો અને પત્ની સાથે અકુદરતી સંબંધ પણ બાંધ્યો હતો.
DNA રિપોર્ટ કરાવી પ્રેમિકાને ઘરમાં લાવવા સંમતિ માંગી
આરોપી પતિએ તેના સંતાનો પૈકી પુત્રનો ડીએનએ રિપોર્ટ કરાવ્યો હતો.જેમાં સંતાન તેનું જ હોવાનું સામે આવતા તે ઉશ્કેરાઇ ગયો હતો. બાદમાં તેણે પત્ની પાસે પ્રેમિકા સાથે બીજા લગ્ન કરવા સંમતિ માંગી હતી.પત્નીએ મનાઇ કરતા તેને માર મારી ત્રાસ આપ્યો હતો.
પતિ તેની પ્રેમિકાને ઘરે લઇ આવ્યો ને પછી
મહિલાનો પતિ એક વાર તેની પ્રેમિકાને લઇને ઘરે આવ્યો હતો જેથી મહિલાએ વાંધો ઉઠાવતા પતિએ પ્રાઇવેટ પાર્ટ પર લાતો મારતા મહિલાને હોસ્પિટલ ખસેડવી પડી હતી.ત્યારે જેઠાણીએ પણ તેના દિયરની પ્રેમિકાને જ ઘરમાં લાવવાની હતી તેમ કહી જેમ ફાવે તેમ બોલી ત્રાસ આપ્યો હતો.