અમદાવાદ : લગ્નસંબંધી વિવાદોમાં પડેલા પતિ-પત્નીનો એક રસપ્રદ કેસ હાઇકોર્ટ સમક્ષ આવ્યો હતો. જેમાં પતિને નીચલી અદાલતે તેના બાળકની સ્કૂલની પેરેન્ટસ-ટીચર મીટિંગમાં હાજર રહેવાની વચગાળાની મંજૂરી આપી હતી.જે આદેશ સામે પત્નીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી અને પતિને સ્કૂલની પેરેન્ટ્સ ટીચર મીટિંગમાં નહીં જવા દેવાની દાદ માગી હતી.હાઇકોર્ટના જસ્ટિસ ઉમેશ ત્રિવેદીએ પત્નીની અરજી ફગાવી દીધી હતી અને સાથે જ આદેશના અંતમાં પતિને એવી ચેતવણી આપી હતી કે,એ જ્યારે પણ મીટિંગમાં જાય ત્યારે સ્કૂલ સત્તાવાળાઓ કે પછી પત્ની સાથે લગ્નસંબંધી વિવાદોનો ઉલ્લેખ ન કરે.બીજી તરફ પત્નીને પણ તાકીદ કરી છે કે,સમગ્ર વર્ષ દરમિયાન જ્યારે જ્યારે મીટિંગ હોય તેની તારીખ અને સમય પતિને બતાવવાની રહેશે.
ડોદરામાં રહેતા પતિ-પત્નીનો આ કિસ્સો છે.જેમના સંબંધો વણસી ચુકેલા છે. જેના પગલે વર્ષ ૨૦૧૭માં પતિએ ફેમિલી કોર્ટ વડોદરામાં તે સમયે બે વર્ષ ત્રણ મહિનાના પોતાના સંતાનની કસ્ટડી મેળવવા માટે અરજી કરી હતી.તેની સાથે સાથે વચગાળાની કસ્ટડી સોંપવા માટેની એક અરજી પણ કરી હતી.જે અરજી કોર્ટે આંશિક ગ્રાહ્ય રાખી હતી.આ કેસ ચાલુ હતો એ દરમિયાન પતિએ એક અન્ય અરજી કરીને બાળકની સ્કૂલનું નામ તેને જણાવવા અને પેરેન્ટ્સ મીટિંગમાં તેને જવા દેવાની મંજૂરી આપવાની દાદ માગી હતી.જેમાં ફેમિલી કોર્ટે પતિને મીટિંગમાં જવાની મંજૂરી આપી હતી અને પત્નીને કોઇ અવરોધ ઊભા નહીં કરવાની તાકીદ કરી હતી.
આ આદેશ સામે પત્નીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી અને રજૂઆત કરી હતી કે,‘ફેમિલી કોર્ટે પતિને મીટિંગમાં હાજર રહેવાની મંજૂરી આપતો જે આદેશ કર્યો છે તેની પાછળના કોઇ નક્કર કારણો આદેશમાં દર્શાવ્યા નથી.તેથી એ આદેશને રદ કરવો જોઇએ. એટલું જ નહીં,અગાઉ આવી જ દાદ પતિએ હાઇકોર્ટ સમક્ષની અરજીમાં માગી હતી અને એ રદ કરી દેવામાં આવી હતી.તેવા સંજોગોમાં પતિ ફરીથી એ જ દાદ ફેમિલી કોર્ટ સમક્ષ માગી શકે નહીં.જ્યારે કે પતિ તરફથી એડવોકેટે દલીલ કરી હતી કે,‘પતિ દ્વારા ફેમિલી કોર્ટમાં જે અરજી કરવામાં આવી હતી તેની સામે પત્ની તરફથી કોઇ પણ મૌખિક કે લેખિત વાંધો ઉઠાવવામાં આવ્યો નહોતો.જ્યારે સામાવાળા પક્ષ તરફથી કોઇ વાંધો જ લેવાયો ન હોય એવા સંજોગોમાં કોર્ટે કારણો સહિતનો આદેશ કરવાની કોઇ જરૂર જ રહેતી નથી.પતિ પણ બાળકના કુદરતી વાલી છે અને તેમને પણ બાળકની શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે જાણવા અને એમાં ભાગ લેવાનો નૈસર્ગિક અધિકાર છે. જે અધિકારથી તેમને વંચિત રાખી શકાય નહીં.’
હાઇકોર્ટ તમામ રજૂઆતોના અંતે આદેશમાં નોંધ્યું હતું કે,‘એ તથ્ય નિર્વિવાદ છે કે પતિને કોર્ટે પેરેન્ટ્સ મીટિંગમાં હાજર રહેવાની મંજૂરી આપી છે.જે આદેશ કોર્ટે એની વિશિષ્ટ સત્તાઓનો ઉપયોગ કરીને આપ્યો છે અને એ પણ જ્યારે સામાવાળા તરફથી કોઇ વાંધો રજૂ કરવામાં આવ્યો નહોતો.કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા પછી જ આદેશ કર્યો હતો અને પત્ની તરફથી એવી કોઇ સ્પષ્ટ રજૂઆત કરાઇ નથી કે તેમની કઇ દલીલને કોર્ટે નજરઅંદાજ કરી હતી અને આદેશ કરી દીધો હતો.હવે જ્યારે હાઇકોર્ટ સમક્ષ આર્ટિકલ ૨૨૭ અંતર્ગત આ મામલે વાંધા રજૂ કરવામાં આવી રહ્યા છે અને એ પણ એક વર્ષ જેટલો સમય વીતી ગયા બાદ પત્નીએ આદેશને પડકાર્યો છે તેનો કોઇ અર્થ જણાતો ન હોવાથી ફેમિલી કોર્ટમાં આદેશમાં હસ્તક્ષેપ કરવાનું યોગ્ય જણાતું નથી.તેથી પત્નીની અરજીને રદ કરવામાં આવે છે.’


