પત્ની પર હુમલો કરવા બદલ ૩૫ વર્ષની વ્યક્તિને કરવામાં આવેલી સજાનું સમર્થન કરતાં મુંબઈ હાઈ કોર્ટે કહ્યું હતું કે પતિ માટે ચા બનાવવાની ના પાડવી એ તેના પર હુમલો કરવા માટે ઉશ્કેરણી ન લેખાય.પત્ની એ એક વ્યક્તિ છે,ચા બનાવવાની કીટલી કે કોઈ વસ્તુ નથી.
જસ્ટિસ રેવતી મોહિતે દેરએ કહ્યું હતું કે લગ્ન આદર્શ,સમાનતા પર આધારિત ભાગીદારી છે,પરંતુ પુરુષ પ્રધાન સમાજમાં હજી પણ સ્ત્રીને એક ચીજ જ સમજે છે.આ યુગલની છ વર્ષની દીકરીનું બયાન વિશ્વસનીય છે અને તેને ન માનવા માટે કોઈ કારણ નથી.
કોર્ટે સોલાપુર જિલ્લાના પંઢરપુરના રહેવાસી સંતોષ અટકરને સ્થાનિક કોર્ટ દ્વારા ૨૦૧૬માં આપવામાં આવેલી ૧૦ વર્ષની કેદની સજાને માન્ય રાખતાં તેના પર સદોષ મનુષ્યવધનો આરોપ લગાવ્યો હતો.ઘટનાના દિવસે પત્નીએ ચા પીધા સિવાય બહાર જવાનો આગ્રહ રાખ્યો હતો,જેથી રોષે ભરાઈને પતિએ તેના પર હથોડીથી વાર કર્યો હતો,જેનાથી પત્નીને જીવલેણ ઈજા પહોંચી હતી.

