અમદાવાદ : કાલુપુર વિસ્તારમાં રહેતી પરણિતાને ઓછું ભણેલી છે,તારી કૂખે છોકરા થતા નથી તેવું કહેતા તેણે આત્મહત્યા કરી લીધી હતી.આ કેસમાં જેલવાસ ભોગવી રહેલા પતિએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી.સેશન્સ કોર્ટે તે અરજી ફગાવી દીધી છે.કોર્ટે નોંધ્યું હતું કે,ગંભીર પ્રકારનો ગુનો છે,આરોપીના ત્રાસ બાદ પત્નીએ આત્મહત્યા કરી હતી.આરોપી સામે તપાસ ચાલી રહી છે ત્યારે હાલના તબક્કે આરોપીને જામીન પર મુક્ત કરી શકાય નહીં.
કાલુપુર વિસ્તારમાં રહેતી પુષ્પા સોલંકીને પતિ ત્રાસ આપતા તે પિયર આવી ગઇ હતી.આ દરમિયાન 8 મેના રોજ પતિએ તેને તેડવા નહીં આવું તેમ કહ્યું હતું.9 મેના રોજ પણ ફોન કરી ઝઘડો કર્યો હતો. જેથી કંટાળેલી પુષ્પાએ આત્મહત્યા કરી લીધી હતી.આ મામલે પુષ્પાના ભાઇએ બનેવી ભરત ગોવિંદલાલ સોલંકીની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી લઇ જેલમાં મોકલી આપ્યો હતો.આ કેસમાં જેલમાંથી ભરતે રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી.જેમાં નિર્દોષ હોવા સહિતના મુદ્દા ઊભા કરી રેગ્યુલર જામીન માગ્યા હતા.
અરજીની સામે ફરિયાદ પક્ષે એડવોકેટ શ્રીધર દેરાસરીએ વાંધા અરજી કરી એવી રજૂઆત કરી હતી કે,આરોપી પતિએ વારંવાર ઝઘડા કરી મૃતકને હેરાન પરેશાન કરતો હતો,પરંતુ ઘર સંસાર તૂટે નહીં તે માટે ફરિયાદ કરી ન હતી.આત્મહત્યા કરી તે દિવસે પણ પતિએ પુષ્પાને ધમકાવી હતી,પતિ બાળક થતુ ન હોવાથી વારંવાર હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ આપતો હતો,આરોપી સામે પુરતા પુરાવા છે, આરોપીએ ફોન કરી દુષ્પ્રેરણા અને ધમકી આપતા પુષ્પાએ આત્મહત્યા કરી લીધી હતી,આ અંગે પુરતા પુરાવા છે,આરોપી સામે તપાસ ચાલી રહી છે,આરોપીને જામીન આપવામાં આવે તો તપાસ પર અસર થાય અથવા સાક્ષી ફોડે તેવી શક્યતા છે ત્યારે આરોપીને જામીન પર મુક્ત ન કરવો જોઇએ.


