નવી દિલ્હી : પતિ પત્ની પર રેપ કરે તો તેને ગુનો ગણવો કે નહીં તેને લઇને હાલ વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ વારંવાર કોર્ટ પણ પહોંચે છે.દિલ્હી હાઇકોર્ટમાં પણ આ મુદ્દે દલિલો ચાલી રહી છે.જોકે હાઇકોર્ટના જજો વચ્ચે આ મુદ્દે મતભેદ પણ જોવા મળ્યો હતો.બે પૈકી એક જજે કહ્યું હતું કે પતિને રેપની ફરિયાદથી જે છુટ મળી છે તે બંધારણીય છે જ્યારે બીજા જજે કહ્યું હતું કે આમા ક્યાંય પણ બંધારણીય છુટ હોવાનું નથી જણાતું.
આઇપીસીની કલમ ૩૭૫માં છૂટ નંબર ૨ અંતર્ગત આ કાયદો એવા લોકો પર લાગુ નહીં થાય કે જેઓ પોતાની પત્નીની સહમતી વગર તેની સાથે શારીરિક સંબંધ સ્થાપિત કરતા હોય. આ છૂટને જ હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે.જોકે જ્યારે આ છૂટને પડકારતી અરજી મુદ્દે દલિલો બાદ દિલ્હી હાઇકોર્ટે ચુકાદો આપ્યો તેમાં મતભેદ જોવા મળ્યા હતા.બે જજોએ અલગ અલગ નિર્ણય લીધો હતો.
દિલ્હી હાઇકોર્ટના જજ રાજીવ શકધર અને સી હરિશંકર વચ્ચે વિભાજીત ચુકાદો આવ્યો હતો. ચુકાદો સંભળાવતા જજ શકધરે કહ્યું હતું કે જે છુટ પતિને મળી છે તે ગેરબંધારણીય છે અને તેથી તેને હટાવી દેવી જોઇએ, તેઓએ આ મામલે પતિ પર રેપની ફરિયાદને યોગ્ય ઠેરવી હતી.જ્યારે બીજી તરફ ન્યાયાધીશ હરિશંકરે કહ્યું હતું કે આ છૂટ બંધારણીય છે અને તેને હટાવી ન શકાય.તેથી આ મુદ્દે હાઇકોર્ટનો વિભાજીત ચુકાદો આવ્યો હતો.