– ચૂંટણીમાં કાયમી ખેસવાળાની ટિકિટની માંગણી પર અણગમો
– પોતાની વિરુદ્ધ પત્રિકા વિવાદ સાથે સંકળાયેલો મામલો ધાણીની જેમ ફૂટ્યો
બાપુ કમલમના બાદશાહ હતા !
ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે પ્રદીપ સિંહની વિદાય બાદ એક આખી લોબી ઘર ભેગી થશે એવું માનવામાં આવી રહ્યું છે.અનુભવી ભાજપના પીઢ આગેવાનોએ પણ આ બાબતને સમર્થન આપ્યું છે.વાઘેલાએ પાટીલની ગેરહાજરીના ઓઠા હેઠળ પોતાનું એક સ્વતંત્ર નેટવર્ક ઉભું કરી દીધું હતું.કોઈ નવો નિશાળિયો બાપુના હાથ નીચેથી નહતો નીકળી શકતો,પછી એ મીડિયા સેલ હોય કે કોંગ્રેસમાંથી ઉઠાવી યુવા મોરચાની ભાજપમાં ભરતી હોય.વાઘેલાના વધુ પડતા ચંચુપાતની નોંધ તો લેવાતી જ હતી પણ બાપુના વડપણ હેઠળ પોતાના અંગત માણસો સિવાય બીજી કોઈ લોબીને અંદર આવવાની પણ મનાઈ હતી.જો કે આ અંગે અંદરો અંદર તો ઘણી વાર ફરિયાદો થઇ પણ વાત જાણે એમ હતી કે બાપુનો ખુલીને વિરોધ કરે એનું રાજકીય એન્કાઉન્ટર થઇ જાય. કમલમમાં પાનુ પણ હલે તો બાપુને એના વિશે અપડેટ મળી જતી હતી.
પત્રિકા વિવાદ સાથે સંકળાયેલો છે મામલો
પ્રદિપસિંહ વાઘેલા માટે એવું કહેવાય છે કે એમને પોતાના વિરુદ્ધ ફરતી પત્રિકા વિવાદમાં ખાનગી રીતે પોલીસને તપાસના આદેશ આપ્યા હતા.આ તપાસમાં તેમને યુનિવર્સિટીના એક પૂર્વ હોદેદારની કડક પૂછપરછ કરાવી હતી.કમલમમાં બેઠા બેઠા પોતાના વિરોધીઓનું કાસળ કાઢતા બાપુના પોલીસને આપેલા અંગત આદેશનો મામલો સંગઠનમાં ધાણીની જેમ ફૂટતા જ પ્રદેશ પ્રમુખ પાટીલ એક્શનમાં આવી ગયા હતા એવી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.
મીડિયા સેલમાં ફેરફાર નક્કી !
વર્ષોથી ભાજપ માટે જાત ઘસી નાખનાર પ્રવક્તાઓ સહીત ભાજપના કાર્યકરોને પ્રદીપસિંહ સાઈડ લાઈન કરીને “કેડરબેઝ પાર્ટીની શિસ્ત” ને પણ અવગણી રહ્યા હતા.ભાજપમાં કદ અને કાંડ વધે તો વેતારવાની જૂની સિસ્ટમ પ્રદીપસિંહ પર પણ લાગુ થઇ છે.જોકે સુત્રો જ બતાવી રહ્યા છે કે પ્રદીપસિંહની વિદાયથી એક ટોળા સિવાય આખું કમલમ ખુશ છે.વાત તો એવી પણ મળી રહી છે કે આ ખુશીમાં ગઈકાલે કેટલાક હોદેદારો તો બહાર રાત્રી ભોજન પણ કરી આવ્યા.
ચૂંટણીમાં કાયમી ખેસવાળાની ટિકિટની માંગણી
કહેવાય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કેટલાક હોદેદારો દ્વારા વિધાનસભાના ઉમેદવાર બનવા માટે પક્ષને બાયોડેટા મોકલ્યા હતા જેમાંથી મહામંત્રી પ્રદીપસિંહને ના ગમતા કેટલાક ટિકિટ ઇચ્છુક કાર્યકરોને કટ ટૂ સાઈઝ કરી ખેલ ખતમ કરવા પણ પોતાની તાકાત અજમાવી હતી.જેના કારણે આજે પણ કેટલાક કાર્યકરો પક્ષથી નારાજ ચાલી રહ્યા છે.
કમલમથી સુરત પહોંચ્યા નેતાઓના સરનામાં
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil) વિરૂદ્ધ ફરતી થયેલી પત્રિકાના વિવાદ મામલે જે પેનડ્રાઈવ મારફતે ગુજરાત ભાજપના વગદાર નેતાઓ અને સંગઠનમાં મહત્ત્વના હોદ્દા ધરાવનારાઓ સુધી પહોંચાડવામાં આવી હતી તે તમામ નેતાઓના સરનામાં કમલમથી લીક થયા હોવાનું રાજકીય સૂત્રોમાં ચર્ચા છે.
પ્રદેશનું પદ મળ્યું પણ કોલેજનું રાજકારણ ના છૂટ્યું
યુનિવર્સિટીની આસપાસની મલાઈદાર તેમજ અન્ય કેટલાક કથિત જમીન કૌભાંડને લઈ પ્રદીપસિંહનો ભાંડો ફૂટતા રાજીનામું લઈ લેવાયું છે.પાર્ટીમાં દબંગાઈ સહિત અનેક બીજી ફરિયાદો મળી હતી,જેમાં પાર્ટીના નેતા અને કાર્યકરોને અવગણનાની ફરિયાદ પણ મળી હતી.ચર્ચા તો એવી પણ છે કે પ્રદીપસિંહ વાઘેલાને યુનિવર્સિટીના કેટલાક આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવો ભારે પડ્યો છે.યુનિવર્સિટીમાં પ્રદીપસિંહના ડાબો અને જમણો હાથ ગણાતા બે અંગત માણસોની ફરિયાદ એક પૂર્વ યુનિવર્સિટી હોદ્દેદારે પાટીલને પહોંચાડી હતી.
વિધાનસભા ચૂંટણી વખતે ખાનગી માહિતી લીક કરવાનો આરોપ
ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે ભાજપની કેટલીક ખાનગી માહિતી મીડિયામાં લિક કરવા બાબતે કેટલાક લોકોએ પાર્ટી પ્રમુખનું ધ્યાન દોરતા,પક્ષ દ્વારા તે સમયે પ્રદીપસિંહને વૉર્નિંગ આપવામાં આવી હતી.એવું પણ કહેવાય છે કે, પ્રદિપસિંહ વાઘેલા કમલમમાં બેઠા બેઠા સરકારમાં કંઈ પણ કરાવી શકતા હતા.એટલું જ નહીં તેમને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડવી હતી.અને એ માટે વેજલપુર વિધાનસભા માટે ધમપછાડા પણ કર્યા હતા,પરંતુ આખરી તબક્કે ટિકિટ કપાઈ ગઈ હતી.