મુંબઇ : મહારાષ્ટ્રમાં મંગળવારે થાણે પોલિસની વેબસાઇટ હેક કરાઇ હતી અને હેકર્સે વિશ્વભરના મુસ્લિમોની માફી માંગવા અંગેનો સંદેશ અપલોડ કર્યો હતો.પોલિસે જણાવ્યું હતું કે,છેલ્લા કેટલાક દિવસમાં ઘણી ભારતીય વેબસાઇટ્સ હેક કરવામાં આવી છે.રાજ્યની પોલિસના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ હુમલાનું મૂળ ઇન્ડોનેશિયા અને મલેશિયામાં હોવાની આશંકા છે.અધિકારીએ જણાવ્યું હતું કે,“થાણે પોલિસની વેબસાઇટ બપોર સુધીમાં પૂર્વવત્ થઈ હતી.
આ મુદ્દે IT એક્ટ અને અન્ય સંબંધિત જોગવાઇ હેઠળ અજાણી વ્યક્તિઓ સામે FIR કરવામાં આવી છે.”હેક કરાયેલી થાણે પોલિસની વેબસાઇટ પર મંગળવારે સવારે સંદેશ દેખાયો હતો કે,“વન હેટ સાયબર ટીમ દ્વારા હેક કરાઈ.હેલો ભારત સરકાર,તમે વારંવાર ઇસ્લામ ધર્મ માટે સમસ્યા ઊભી કરો છો.ઝડપથી વિશ્વભરના મુસ્લિમોની આ બાબતે માફી માંગો.અમારા પયગંબરના અપમાન પછી અમે ચૂપ નહીં બેસીએ.”પોલિસ અધિકારીના જણાવ્યા અનુસાર પોલિસને સવારે ૮.૩૦ કલાકે વેબસાઇટ હેક થયાની જાણ થઈ હતી.ત્યાર પછી થાણે પોલિસની સાયબર ટીમે છ કલાકની મહેનત પછી સાઇટને પૂર્વવત્ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે,હેકિંગ સવારે ચાર વાગ્યે થયું હોવાનું જણાતું હતું.મહારાષ્ટ સાયબર એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલિસ મધુકર પાંડેએ જણાવ્યું હતું કે,તેમણે સાયબર હુમલાને પકડવા માટે બનેલી ભારત સરકારની નોડલ એજન્સી CERT-IN અને નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટરને આ હુમલાની માહિતી આપી હતી.”