સુરત સહારા દરવાજા અને સરથાણાના વ્રજચોકમાં સુમુલ તેમજ અન્ય બ્રાન્ડના નામે નકલી ઘી બનાવતા કારખાના પર પોલીસે છાપો માર્યો હતો.કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે.નકલી ઘી,રોકડ રકમ અને અન્ય સામગ્રી મળીને કુલ 19 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.એક આરોપીને વાન્ટેડ બતાવ્યો છે.
રવિવારે બપોરે પોલીસે સહારા દરવાજા પાસેથી એક ટેમ્પોમાં જતા હરેશ જાદવ બોદરા અને અલ્પેશ મનસુખ આસોદરિયા(બંને રહે.વાલમનગર,સિમાડા)ને પકડ્યા હતા. ટેમ્પોની ઝડતી લેતા તેમાંથી સુરત જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લિમિટેડના સુમુલ શુદ્ધ ઘી નામના એક લીટરવાળા 300 પાઉચ મળી આવ્યા હતા.પોલીસે પાઉચ કબજે કરીને ઘી બ્રાન્ડેડ ડેરીનું છે કે નહીં તેની ખરાઈ કરાવવા એક સેમ્પલ સુમુલ ડેરી પર મોકલ્યું હતું.ડેરીની લેબોરેટરીમાં ચકાસણી કરાતા તે ઘી સુમુલ ડેરીના બનેલું ન હતું તેમજ પેકિંગ પણ સુમુલ ડેરીની નહતી.બાદ પુણા પોલીસે હરેશ અને અલ્પેશની પુછપરછ કરતા તેઓએ તેમનું ગોડાઉન અને કારખાનું બતાવ્યું હતું. પછી પોલીસે સુમુલ ડેરીના અધિકારી તેમજ ફૂડ સેફ્ટી ઓફિસર અને પાલિકાને સાથે રાખી સરથાણા ક્રિષ્ણાનગરમાં છાપો માર્યો હતો.ત્યાંથી અન્ય આરોપીઓ નૃપેશ ઉર્ફ નિકુંજ હરસુખ સાવલિયા (રહે.અયોધ્યાપુરમ,વાલક)નિલેશ મગન સાવલિયા (રહે.મેઘ મલ્હાર સોસાયટી,સરથાણા) અને પરેશ માવજી સાવલિયા (રહે.અયોધ્યાપુરમ,વાલક)ને ઝડપી લીધા હતા.નૃપેશ અને પરેશે માર ખાવાની બીકે પોલીસને ગોડાઉનની જાણકારી આપી હતી.આરોપીઓમાં નિલેશ, નિકુંજ અને રવિ મુખ્ય સૂત્રધાર છે.
આરોપીઓએ પુછપરછમાં જણાવ્યું હતું કે તેઓ પાંચેય અને તેમનો મિત્ર રવિશ ઉર્ફ રવિ છગન પટોળીયા સાથે મળીને વનસ્પતિ ઘી,એસન્સ,તેલ,ક્રિમ વગેરેનો ઉપયોગ કરીને સુમુલ શુદ્ધ ઘી,શ્રી હરીક્રિષ્ણા શુદ્ધ ઘી,ગીર અમૃત પ્રિમિયમ ઘી અને શુદ્ધ ગંગા ઘીના નામથી નકલી ઘી બનાવીને તેનું આબેહુબ પેકિંગ કરીને વેચાણ કરે છે. તેમના ગોડાઉનમાંથી તેમજ અન્ય સ્થળોથી તમામ બ્રાન્ડેડ ઘીના નામથી પેક કરેલ નકલી ઘીના પાઉચ મળી આવ્યા હતા.રસ્તા પર ટેમ્પોમાંથી, સરથાણામાંથી તેમજ અન્ય સ્થળોથી ચારેય બ્રાંડના નામથી પેક કરેલ હોય એવું 1819 લીટર નકલી ઘી કબજે કર્યું હતું. જેની કિંમત 12.32 લાખ રૂપિયા થાય છે.
ઉપરાંત 1725 લીટર વનસ્પતિ ઘી અને તેલ કબજે કર્યું તેની કિંમત 2.04 લાખ રૂપિયા, ટેમ્પો,રોકડા 74 હજાર રૂપિયા અને 2.89 લાખ રૂપિયાનો અન્ય સામાન કબજે કર્યો છે. અન્ય સામાન કબજે કર્યો છે.આમ કુલ 19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.સુમુલ ડેરીમાં આસિ.જીએમ મનિષ ભટ્ટે પુણા પોલીસમાં છેતરપિંડી, સ્વાસ્થ્ય સાથે ચેડા,ટ્રેડ માર્ક એક્ટ અને કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આરોપી રવિને વાન્ટેડ બતાવ્યો છે.
આરોપીઓ લોકડાઉન પહેલા પણ નકલી ઘીનો વેપલો કરતા હતા.લોકડાઉનમાં બંધ કરી દીધું હતું અને છેલ્લા અઢીથી ત્રણ મહિનાથી ફરીથી નકલી ઘી બનાવવાનું શરૂ કર્યું હતું.આ દરમિયાન તેઓએ 2 ટન નકલી ઘી બજારમાં વેચી નાખ્યું છે.હવે પોલીસ તપાસ કરે છે કે કોણે-કોણે અને ક્યારે-ક્યારે કેટલું-કેટલું નકલી ઘી વેચ્યું છે.
હરેશ રત્ન કલાકાર છે
હરેશ બોદરા રત્નકલાકાર છે.પરંતુ હાલ હીરાના કારખાનામાં કામથી જરૂરિયાત પુરી નથી થતી.વધુ આવક માટે રત્નકલાકાર ઉપરાંત ટેમ્પો ચલાવતો હતો. તે અલ્પેશ માટે કામ કરવા લાગ્યો હતો.
અનેક ગોડાઉનો
અલગ-અલગ ગોડાઉન ભાડે રાખ્યા હતા.વ્રજચોક પાસે ક્રિષ્ણાનગર સરથાણામાં ગોદાવરી સોસાયટીની સામે,વ્રજ ચોક પાસે જ ત્રિમુર્તી સુરતી બજારમાં પતરાવાળી વિવિધ દુકાનોમાં નકલી ઘી રાખ્યું હતું.