ગુજરાતમાં ચાલતા માસના વેચાણની પ્રવૃતિઓ ઉપર આગામી જૈનોના પર્યુષણ પર્વ દરમિયાન પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.પર્યુષણ પર્વને લઈને કતલખાના બંધ રાખવાનો નિર્ણય ગાંધીનગર શહેરી વિકાસ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.
જિલ્લામાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં આગામી 15 ઓગસ્ટ થી 22 ઓગસ્ટ સુધી સુધીના સમયગાળા દરમિયાન મટનનો ધંધો કરનારા બુચર્સ તથા દુકાનો બંધ રાખવાનો આદેશ ગાંધીનગર શહેરી વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે.આ દિવસોમાં પર્યુષણના ધાર્મિક તહેવારોને કારણે રૃચિભંગ ના થાય તથા લોકોની ધાર્મિક લાગણીઓ ના દુભાય ઉપરાંત જાગેર સુલેહ શાંતિનો ભંગ ના થાય તે માટે કોઈપણ પશુઓની જાહેરમાં કતલ કરવી નહિ કે તેના અવશેષો કોઈ શેરી કે જાહેરમાં દેખાય તેવીરીતે પ્રદર્શીત નહી કરવા તેમજ પરવાનેદાર મટનનો ધંધો કરતાં બુચર્સ તથા દુકાનો બંધ રાખવી.
આ હુકમનો ભંગ કરનાર સામે 188 મુજબ શિક્ષાને પાત્ર થશે તેવું અધિક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પર્યુષણ પર્વને લઈને કતલખાના બંધ રાખવાનો નિર્ણય દર વર્ષે લેવામા આવે છે.
જૈન સમુદાયમાં પર્યુષણને મહાપર્વ
જૈન સમુદાયમાં પર્યુષણને મહાપર્વ, પર્વાધિરાજ ગણવામાં આવે છે. દર વર્ષે ચાતુર્માસમાં શ્રાાવણ વદ બારસ કે તેરસથી આઠ દિવસના પર્યુષણ પર્વનો આરંભ થાય છે અને ભાદરવા સુદ ચોથ કે પાંચમના દિવસે ‘સંવત્સરી’ ઊજવવામાં આવે છે.સાત દિવસ સાધનાના અને આઠમા છેલ્લા દિવસે સિદ્ધિનો ગણવામાં આવે છે. આઠમા દિવસનું નામ સંવત્સરી છે.જૈન શ્રાાવકો આ દિવસોમાં તપ, ત્યાગ અને જાપમાં લીન રહે છે.આ પર્વમાં ઉપવાસ અને પ્રવચનનું ખાસ મહાત્મ્ય હોય શ્રાાવકો યથાશક્તિ ઉપવાસ કરે છે.પર્વમાં આઠ દિવસના સળંગ ઉપવાસ સાથે વિધિવત અઠ્ઠાઇ કરાય છે.પર્યુષણમાં સાધુ ભગવંત કલ્પસૂત્ર નામના ગ્રંથનું ક્રમશઃ સચોટ અને સવિસ્તાર વાંચન કરે છે.ઘણા શ્રાાવક-શ્રાાવિકાઓ આઠ દિવસ સાધુ જેવું જીવન,સામાયિક,પ્રતિક્રમણ કરવાની સાથે જ પૌષધ કરે છે.
જૈન ધર્મની સંસ્કૃતિ હંમેશાં ત્યાગ અને તપપ્રધાન રહેલી છે.એ માને છે કે, જીવનની સફળતા રાગમાં નહીં,પણ ત્યાગમાં છે.ભોગમાં નહીં પણ યોગમાં છે. વાસનામાં નહીં પણ ઉપાસનામાં છે.પરિગ્રહ-સંગ્રહમાં નહીં પણ દાન અને ઉદારતામાં છે.આત્માની સમીપમાં તથા આત્માની આસપાસ વસવું તે પર્યુષણ છે. આસક્તિનો ત્યાગ કરી અનાસક્તિયોગ તરફ સ્થિર થવું એનું નામ પર્યુષણ છે.