– જિલ્લા કલેક્ટરે તપાસનો હુકમ કરતા પલસાણા મામલતદારે વિગતવાર અહેવાલ રજૂ કર્યો આગામી દિવસોમાં પોલીસ ઉપર ગાજ પડવાની શકયતા
બારડોલી : ગત 11 ઓગષ્ટની રાત્રી દરમિયાન પલસાણા પોલીસે જોળવા ગામની એક સોસાયટીના ગેટ પરથી એક ટેમ્પામાંથી રેશનકાર્ડના અનાજના 18 ગુણ ઘઉં અને 83 ગુણ ચોખાનો જથ્થો ઝડપી પડ્યા બાદ પોલીસે 41 (1)(D)મુજબ કાર્યવાહી કરી હતી જોકે આ પ્રકરણમાં પોલીસે મામલતદારનો અભિપ્રાય લીધા વગર અનાજનો ટેમ્પો છોડી મુકવા બાબતે સમગ્ર પ્રકરણમાં જિલ્લા કલેકટરમાં પહોંચતા પલસાણા મામલતદારને તપાસનો હુકમ કર્યો છે તો બીજી તરફ જીલ્લા પોલીસ વડાને પણ આ અંગે જાણ કરાતા ભારે ચકચાર મચી જવા પામી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર ગત 11 ઓગસ્ટના રોજ રાત્રી દરમિયાન પલસાણા તાલુકાના જોળવા ગામેં આવેલ ગાર્ડન સીટી સોસાયટીમાં ગેટ પરથી પલસાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક સફેદ રંગના ટાટા ટેમ્પો નંબર DN 09 U 9330 ને શંકા સ્પદ હાલતમાં અટકાવી તપાસ કરતા ટેમ્પાના પાછળના ભાગેથી ઘઉંના 50 કિલોની 18 તેમજ ચોખાની 50 કિલોની 83 ગુણ મળી કુલ 101 ગુણ શંકા સ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો.જેમાં પોલીસે 6 વ્યક્તિની ધરપકડ કરી અટકાયત કરી 41(1)(D) મુજબ કાર્યવાહી કરી 5.60 લાખનો કુલ મુદ્દમાલ ઝડપી પાડ્યો હતો આ પ્રકરણમાં પોલીસે સરકારી અનાજ પકડ્યું હોવા છતાં આ બાબતે ગંભીર બેદરકારી દાખવી યોગ્ય તપાસ કરવાના બદલે અનાજ ભરેલો ટેમ્પો મમાલદારનો અભીપ્રાય મેળવ્યા વગર જ છોડી મુક્યો હતો.જે સમગ્ર પ્રકરણ જિલ્લા કલેકટર સમક્ષ પહોંચ્યું હતું જેને લઈ જિલ્લા કલેકટર લાલ ઘુમ થયા હતા અને તેમણે આ અંગે જિલ્લા પોલીસવડાને જાણ કરી હતી.બીજી તરફ કથિત સરકારી કૌભાંડ અંગે પલસાણા મામલતદારને તપાસનો હુકમ કરતા પલસાણા મામલતદારે આ બાબતે તપાસ શરૂ કરી હતી.જેમાં જાણવા મળ્યું હતું કે ટ્રેડિંગ બિલ રજૂ કરનાર મિલના સંચાલકે બોગસ બિલ રજૂ કર્યા હોવાની શકા છે.ચોર્યાસી તાલુકાનું સરકારી અનાજ પલસાણા કઈ રીતે પહોંચ્યું અને અહીં કઈ કંપનીને આ અનાજ આપવાના હતા.આ ઉપરાંત આ બાબતે કેટલાક CCTV ફૂટેજ પણ મામલતદારને હાથ લાગ્યા છે મામલતદારે તપાસ કરી વિગતવારનો રિપોર્ટ જિલ્લા કલેકટરને કર્યો હોવાનું જાણવા મળ્યું છે.બીજી તરફ જિલ્લા પોલીસ વડાએ પણ પલસાણા પોલીસ પાસે સમગ્ર પ્રકરણ અંગે અહેવાલ માગ્યો છે
પોલીસે આ પ્રકરણમાં સોગંદ નામુ લઈ ટેમ્પો છોડી મુક્યો
સરકારી ટ્રેડમાર્ક વાળી બેગમાં અનાજ પકડાયુ હોઈ પોલીસે આ અનાજનો જથ્થો મામલતદારને સુપરત કરવાનો હોય છે જેથી કરી મામલતદાર આ બાબતે વિગતવાર તપાસ કરી જિલ્લા કલેક્ટરને રિપોર્ટ કરી શકે પરંતુ પલસાણા પોલીસે આ પ્રકરણમાં સોગંદ નામુ લઈ ટેમ્પો છોડી મુક્યો હતો જે ગંભીર બેદરકારી ગણી શકાય.
મામલતદાર એન.સી.ભાવસારે પુરાવા એકત્ર કરી જિલ્લા કલેકટરને સુપ્રત કર્યા
આ અંગે પલસાણા મામલતદાર એન.સી.ભાવસાર નાઓ સાથે વાત કરતા અનાજનો જથ્થો જે ગોડાઉન માંથી આવ્યો હતો અને જે દુકાનમાં જવાનો હતો ત્યાં બને જગ્યા પહોંચી સ્થળ તપાસ કરી હતી અને નિવેદનો લીધા બાદ યોગ્ય પુરાવા એકત્ર કરી જિલ્લા કલેકટરને સુપ્રત કર્યો છે.


