બારડોલી : સુરત જિલ્લાના પલસાણા ગામની સીમમાં ને.હા.નં-48 ઉપરથી પલસાણા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.આ શખ્સ મુંબઈની અલગ અલગ વાઇનશોપ માંથી વિદેશી દારૂની બોટલોની ખરીદી કરી ભરૂચ ખાતે લઈ જઈ રહ્યો હતો.જોકે પલસાણા પોલીસે 47 હજારના વિદેશી દારૂ સાથે તેને ઝડપી પાડ્યો હતો.જ્યારે આ ગુનામાં સંડોવાયેલ ભરુચના એક શખ્સને વોંટેડ જાહેર કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ પલસાણા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેઓને ખાનગી રાહે બાતમી મળતા તેઓ પલસાણા ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ જતાં ને.હા.નં-48 પર ઓમ શિવમ હોસ્પિટલ સામે રોડ ઉપર પહોંચ્યા હતા જ્યાં બાતમી મુજબનો શખ્સ લીલા કલરના કોથળા લઈ ઊભો હોય જેથી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને તેની પાસે રહેલ કોથળામાં તપાસ કરતાં વિદેશી દારૂની કુલ 200 બોટલ કિંમત રૂ. 47,200 નો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે તેની પૂછપરછ કરતાં તે પોતાનું નામ ચંદ્રવલી ક્રિષ્નાબહાદુર સિંગ (હાલ રહે, શ્યામ કોમ્પ્લેક્ષ, અમરોલી, સુરત, મૂળ રહે, યુ.પી) નો હોવાનું જણાવ્યુ હતું અને આ વિદેશી દારૂનો જથ્થો મુંબઈની અલગ અલગ વાઇન શોપમાંથી ખરીદી કરી ભરુચ જિલ્લાના નબીપુર ખાતે રહેતા મુકેશ લંગડાને આપવાનો હતો.પલસાણા પોલીસે વિદેશી દારૂ,મોબાઈલ ફોન મળી કુલ રૂ, 47,700 નો મુદ્દામાલ કબ્જે કરી મુકેશ લંગડાને વોંટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


