– ધારાસભ્યનો દાવો,કેશના તમામ ડોક્યુમેન્ટ છે,ડરવાનું કોઈ કારણ નથી
– ધારાસભ્ય જાકિર હુસૈન પાસે બીડી બનાવાની ફેક્ટરીઓ છે
કોલકાતા, 12 ડિસેમ્બર 2023 ગુરૂવાર : પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરીવાર ચલણી નોટોનો પહાડ સામે આવ્યો છે.પાર્થ ચેટરજી અને તેમની સાથે જોડાયેલા શિક્ષણના ગોટાળા બાદ ફરીવાર તૃણમુલ કોંગ્રેસ વિવાદમાં ફસાઈ છે.મુર્શિદાબાદના ધારાસભ્ય જાકિર હુસૈનના ઘરમાંથી 10.90 કરોડ રોકડા મળી આવ્યાં છે.ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે બુધવારે રાત્રે તેમના ઘરે, ફેક્ટરીઓ પર દરોડા પાડ્યા હતાં.આ દરોડા દરમિયાન કરોડો રૂપિયાની રોકડ મળી આવી છે.ધારાસભ્યએ દાવો કર્યો હતો કે, તેમની પાસે આ રોકડ સાથે જોડાયેલા તમામ કાગળો ઉપલબ્ધ છે.પરંતુ એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે.
ધારાસભ્યની ફેક્ટરીઓ પર ઈન્કમટેક્સ વિભાગની નજર હતી
ઈન્કમટેક્સ વિભાગે કુલ 28 જગ્યાએ દરોડા પાડ્યા હતાં.આ દરમિયાન 15 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યાં છે.જેમાં માત્ર મુર્શિદાબાદમાં જ 11 કરોડ રૂપિયા જપ્ત કરાયા છે.જાકિર હુસૈન મુર્શિદાબાદના ધારાસભ્ય છે.સુત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે, ધારાસભ્યનો બીડીનો ધંધો છે.તેમની કેટલીક ફેક્ટરીઓ પર ઈન્કમટેક્સ વિભાગની નજર હતી.એવામાં તપાસ દરમિયાન ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતાં.આ સિવાય તેમની પાસે ચોખાની પણ મીલો છે.ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યાં હતાં.તે ઉપરાંત તેમના એક નજીકના મિત્રના ઘરે પણ દરોડા પડ્યાં છે.
કેશના તમામ ડોક્યુમેન્ટ મારી પાસે છેઃ જાકિર હુસૈન
હવે આ તપાસની એક તસવીર પણ સામે આવી છે.આ તસવીરમાં નોટોનો પહાડ જોવા મળી રહ્યો છે.ટેબલ પર જ નોટોની પાંચ થપ્પીઓ કરવામાં આવી છે.હવે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની આ તપાસ પર ટીએમસીના ધારાસભ્ય જાકિર હુસૈને કહ્યું હતું કે, તેમણે તપાસ એજન્સીને પૂરો સહયોગ આપ્યો છે.તેમના તરફથી પણ પૂરો સહયોગ મળ્યો છે.જાકિર હુસૈનનો દાવો છે કે તેમની પાસેથી જેટલી પણ કેશ મળી છે તેના તમામ કાગળો તેમની પાસે છે.તેઓ સમય પર ટેક્સ ભરે છે. તેમને કોઈપણ વાતનો ડર નથી.
અગાઉ પાર્થ ચેટરજીએ તેમનું મંત્રીપદ ગુમાવવું પડ્યું હતું
આ કાર્યવાહી પર ટીએમસીના નેતા કુણાલ ઘોષ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે.તેમણે કહ્યું હતું કે, ટીએમસીમાં સામેલ થયા પહેલાં જાકિર હુસૈનનો બીડીનો ધંધો હતો.આ ધંધામાં કેશની વધારે જરૂર પડે છે.કારણ કે મજુરોને પેમેન્ટ આપવું પડે છે.જો કોઈ ગરબડ હશે તો તપાસ એજન્સી એક્શન લેશે.પરંતુ પહેલેથી જ કોઈના પૈસાને કાળુધન કહેવું ખોટું છે.ટીએમસી માટે આ તપાસ મુશ્કેલી એટલા માટે ઉભી કરે છે કારણે આ પહેલાં પાર્થ ચેટરજી અને તેમની નજીકની વ્યક્તિ અર્પિતા મુખરજીના ઘરેથી નોટોનો પહાડ પકડાયો હતો. અર્પિતાના ઘરેથી 50 કરોડ જેટલી રકમ જપ્ત કરાઈ હતી.કરોડોનું સોનું પણ તપાસ એજન્સીના હાથે લાગ્યું હતું.આ તપાસના કારણે પાર્થ ચેટરજીએ તેમનું મંત્રીપદ ગુમાવવું પડ્યું હતું.